કોંગ્રેસ-ભાજપનાં કાર્યકરોની સામસામી ટિપ્પણીનો મામલો પોલીસ મથકે: વર્તમાન ધારાસભ્ય અને પુર્વ ધારાસભ્ય વિરૂદ્ધ ફેસબુક કોમેન્ટનો મામલો
ધોરાજીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મીડિયા વોર શરુ થતા સમગ્ર મામલો પોલીસ મથક સુઘી પોહચ્યો છે.તાજેતરમાં ધોરાજીના રોડ રસ્તાની બદતર હાલત થતા વર્તમાન ધારાસભ્ય ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા હતાં. ત્યારબાદ પોસ્ટર સાથે વિવાદિત કોમેન્ટ સાથે જીલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલના જેનીશ ઠુંમર દ્રારા ફેસબુક પર પોસ્ટ મૂકવામાં આવી હતી. જે સંદર્ભે ભાજપનાં હોદેદાર દ્રારા પોલીસ ને લેખિત અરજી રજુઆત સાથે આપવામા આવી હતી.
જે અંગે ધોરાજી પોલીસે કોંગ્રેસના સોશિયલ મીડિયા ક્ધવીનર સામે ધોરાજી પોલીસે અટકાયતી પગલાં લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી.ઉપરોક્ત મામલે કોંગ્રેસ પણ લડાયક મૂડમાં આવી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સામે 2020 અને 2022 માં ભાજપનાં હોદેદાર દ્વારા અયોગ્ય અને અણ છાજતા લખાણ ફેસબુકમાં કોમેન્ટ કરાયા હતા. જેને લઈ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ધોરાજી પોલીસ મથકે લેખિત ફરીયાદ આપી હતી.
ફરિયાદમાં જણાવ્યું હતુ કે ધોરાજી માં રહેતાં અને ભાજપ પક્ષ સાથે સંકળાયેલા કોશીક વાગડીયા એ વર્ષ 2020 અને 2022 માં સોશિયલ મીડિયા ફેસબુક પર ટીવી ઇન્ટરવ્યૂ એડીટીગ કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોસ્ટ મૂકી ધારાસભ્ય તરીકેના સવેધાનિક પદની ગરિમા ને લાંછન લાગે તે પ્રકારે પોસ્ટ કરતાં આઈ ટી એક્ટ અને સાયબર ક્રાઇમ તેમજ બદનક્ષી આચરી હોઈ જે અન્વયે કાર્યવાહી કરવા લેખિત ફરીયાદ કરી હતી.
આ ઊપરાંત પૂર્વે ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સમક્ષ જણાવેલકે પોલિસની કામગીરી નિષ્પક્ષ નથી. કોંગ્રેસના સોશિયલ મીડિયા ક્ધવીનર સામે ફરીયાદ થયાના કલાકોમાં પોલીસે કાર્યવાહી કરી હતી. જ્યારે અમારી અરજી આપ્યા ને પાંચ દિવસ બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો પોલીસ દ્વારા અમારી ફરીયાદ મામલે યોગ્ય પગલાં નહીં લેવાય તો કોર્ટે સમક્ષ ફરીયાદ કરવામાં આવશે.
હાલ ધોરાજીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા વોર અને સામસામી પોલીસ ફરિયાદોનો મામલો ચર્ચાના એરણે ચડ્યો છે.