ભાણવડના ત્રણ શખ્સો અલગ અલગ ત્રણ બોલેરો પીકઅપમાં ૨૮ ભેસ અને પાડાને ખીચોખીચ બાંધી કતલખાને લઇ જતા હોવાની બાતમીના આધારે ધોરાજી પોલીસે હાઇ-વે પર વોચ ગોઠવી ત્રણેય શખ્સોની ધરપકડ ૨૮ અબોલ પશુના જીવ બચાવી પાંજરાપોળમાં મોકલી દીધા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાણવડના યુસુફ નુરમામદ ઠેબા, આમદ બાવા હીગોરા અને અલ્તાફ હેમતુલ્લા હાલાણી નામના શખ્સો ભાણવડ તરફથી બોલેરો પીકઅપમાં ભેસ અને પાડાને ખીચોખીચ બાંધી પાણી અને નિરણની વ્યવસ્થા કર્યા વિના લઇ જતા હોવાની બાતમીની આધારે ધોરાજી પી.આઇ. એચ.એ.જાડેજા, એએસઆઇ રમેશભાઇ બોદર, અશોકસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ લાલજીભાઇ જાંબુકીયા અને રાજુભાઇ કીહલા સહિતના સ્ટાફે ધોરાજી હાઇ-વે પર વોચ ગોઠવી હતી.
ભાણવડના ત્રણ શખ્સોની ધરપકડ કરી ત્રણ બોલેરો કબ્જે કરી: ભેસ અને પાડાને પાંજરાપોળ હવાલે કરાયા
પોલીસની વોચ દરમિયાન એક સાથે ત્રણ બોલેરો પીકઅપ ભેસ અને પાડા સાથે પસાર થતા ત્રણેય બોલેરોના ચાલકની ધરપકડ કરી ભેસ અને પાંડાને મુક્ત કરાવી પાંજરાપોળ હવાલે કર્યા છે. ત્રણેય શખ્સોએ ભેસ કયાંથી લાવ્યા અને કયાં કતલખાને લઇ જતા હતા તે અંગે પૂછપરછ હાથધરી છે. પોલીસે ત્રણેય શખ્સો પાસેથી રૂા.૫.૩૭ લાખની કિંમતની ત્રણ બોલેરો પીકઅપ કબ્જે કરી છે.
ભાણવડના યુસુફ નુરમામદ ઠેબા, આમદ બાવા હીંગોરા અને અલ્તાફ હેમતુલ્લા હાલાણી સામે પશુઘાતકી પણા અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે. ધોરાજી પી.આઇ. એચ.એ.જાડેજા અને તેમની ટીમ દ્વારા અબોલ પશુના જીવ બચાવતા જીવદયા પ્રેમીઓએ કામગીરી બિરદાવી હતી જ્યારે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અને એએસપી સાગર બાગમારે પીઠ થાબડી અભિનંદન પાઠવ્યા છે.