અન્ય સમાજના લોકોની ભરતી કરી સ્થાનિક અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ
રાજયની નગરપાલિકાઓમાં જે રોસ્ટર પધ્ધતિથી સફાઈ કામદારની ભરતી બહાર પાડેલ છે. તેમાં વર્ષોથી કામ કરતા વાલ્મિકી સમાજના સફાઈ કામદારને અન્યાય થઈ રહ્યો છે. વર્ષો પહેલા દરેક ગામ શહેરમાં જનતાનું મળ ડબ્બામાં ભરી માથે મેલુ ઉપાડી સાફ સફાઈનો વ્યવસાય વાલ્મિકી સમાજના કામદારો જ કરતા હતા અને પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર સફાઈ કામદાર તરીકે સેવા આપતા હતા.
આજે જયારે વાલ્મિકી સમાજના ભાઈઓ બહેનો 20 વર્ષોથી ગુજરાતની નગરપાલિકાઓમાં સફાઈ કામદાર તરીકે સેવા આપતા હતા અને આજે પણ કોન્ટ્રાકટ કે રોજમદાર તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેમને અન્યાય થઈ રહ્યો છે.આખી જિંદગી સફાઈ કામદાર તરીકે સેવા આપી અને આજે જયારે લાભ આપવાનો કે કાયમી થવાની વાત આવે તો સરકારે જે રોસ્ટર પધ્ધતિથી રાજયની નગરપાલિકામાં ભરતી બહાર પાડી છે. તેમાં વાલ્મિકી સમાજના સફાઈ કામદારને અન્યાય થઈ રહ્યો છે. સફાઈકામદાર તરીકે અન્ય સમાજના લોકોની ભરતી કરવામાં આવે તો નગરપાલિકાના રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા વહીવટ કરીને સફાઈ કામદાર કે ભરતી થયેલ લોકોને મુકાદમ કે ટેબલ વર્કમાં બેસાડીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ત્યારે ધોરાજી ન.પા.માં કે જે પણ નગરપાલિકામાં રોસ્ટર પધ્ધતિથી સફાઈ કામદારની ભરતી બહાર પાડેલ છે તે રદ કરી વર્ષોથી કામ કરતા વાલ્મિકી સમાજના સફાઈ કામદારોને લાભ આપવા સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત 1ના પ્રદેશ પ્રમુખ આશિષભાઈ જેઠવા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.