- મા-બાપની સહમતી વિના બાળકને ઉઠાવી જવાના કિસ્સામાં પોલીસે તુરંત ફરિયાદ દાખલ કરવી
- પોલીસે ફરિયાદ લેવામાં 22 દિવસનો સમય બગાડતાં વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવનાર નરાધમને 20 વર્ષની કેદનું એલાન
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વર્ષ 2022માં દુષ્કર્મના બનાવમાં એડિશનલ સેશન્સ કોર્ટે પોલીસની ઘોર બેદરકારી દર્શાવી છે. ભોગ બનનારી સગીરા ગુમ થયાં બાદ સગીરાના પિતાએ લગભગ 12 દિવસ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ પણ પોલીસે ફરિયાદ લીધી ન હતી. પોલીસે ઘટના બન્યાના 22 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે અદાલતે પોલીસને ફટકાર લગાવી હતી.
કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતી પોલીસે કાયદાના રક્ષણબી જગ્યાએ કાયદાનું ખોટું અર્થઘટન કરી કાયદો હાથમાં લઈ પોતે જ અદાલતનું કામ કરી નિર્ણય લેવા લાગતા હોય તેવા અનેક બનાવો તાજેતરમાં જ સામે આવ્યા છે. ત્યારે વધુ એક મામલામાં પોલીસે આવી જ વરવી ભૂમિકા ભજવી હતી તેવું કોર્ટે નોંધ્યું છે.
ધોરાજી ગ્રામ્ય પંથકમાં પેટીયુ રળવા આવેલા શ્રમિક પરિવારની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે હરિસિંહ ઉર્ફે હરેશ રાઠવાને 20 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. તેમજ પીડિતાને રૂપિયા 7 લાખનું વળતર ચૂકવવા ભલામણ કરી છે. સાથોસાથ પોલીસે ફરિયાદ નોંધવામાં 22 દિવસથી વધુ સમય લગાવ્યો હોય, ભોગ બનનારના પિતાને વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા હતા તેવું અદાલતે નોંધ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ ધોરાજી ગ્રામ્ય પંથકમાં પેટીયુ રળવા આવેલા શ્રમિક પરિવારની અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી સગીરાનું તારીખ 2/11 /22 ના રોજ હરીસિંગ ઉર્ફે હરેશ ભઈલા રાઠવા નામના શખ્સ અપહરણ કરી તેના વતનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યા અંગેની ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને પગલે પોલીસે હરીસિંહ ઉર્ફે હરેશ ભઈલા રાઠવા નામના શખ્સની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ
સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે, ફરિયાદ પક્ષે પોતાનો કેસ પુરવાર નથી કરવાનો પરંતુ આરોપીએ પોતાની નિર્દોષતા પુરવાર કરવાની છે. આરોપી પક્ષ તરફથી ભોગ બનનાર તેઓની સાથે હતા તેવું ઊલટ તપાસ દરમિયાન કબુલાત છે. આરોપી પક્ષે સ્પષ્ટ રીતે આ કબુલાત લેવામાં આવેલી છે. જન્મ દાખલાના સરકારી રેકોર્ડ પ્રમાણે ભોગ બનનારની ઉંમર બનાવ વખતે 14 વર્ષ 4 મહિના છે, તે સમયગાળાની ઉંમર પોતાનું ભલું વિચારવા માટે સક્ષમ ન હોઈ શકે, ભોગ બનનારની માતાએ પણ પોતાની જુબાનીમાં અમારી જ્ઞાતિનું પંચ બેસેલ અને સમાધાન થતા દીકરી પાછી આવેલી, મારી દીકરીની ઉંમર ઓછી હોય તેને સારા નરસાની ખબર પડતી ન હોય તેને લઈ ન જવાય. આમ આ તમામ પુરાવાઓને ધ્યાનમાં લેવામાં આવેલ હતા.
બધા મુદ્દાઓ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારખે આરોપીને તકસીરવાન ઠરાવવા માંગણી કરી હતી. ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખએ આરોપી હરસિંગ ઉર્ફે હરેશભાઈ ભઈલાભાઈ રાઠવાને પોક્સો એક્ટ તથા દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા અને 8000 દંડ ફટકાર્યા હુકમ કર્યો છે. ભોગ બનનારને વિકટીમ કંપનસેશન્ સ્કીમ હેઠળ રૂપિયા 7 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
ભોગ બનનારની જન્મ તારીખ અંગેની દલીલ ફગાવી દેતી કોર્ટ
બચાવપક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે, ફરિયાદ પક્ષે ભોગ બનનારનો જે જન્મદાખલો કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો છે તે શંકાસ્પદ છે. જન્મદાખલામાં જન્મ સ્થળ અને દાખલાનું સ્થળ અલગ છે તેમજ દાદાના નામમાં પણ તફાવત હોય આ દસ્તાવેજ શંકાસ્પદ છે તેવી દલીલ કરવામાં આવી હતી. ત્યારે પીપીએ જન્મ દાખલાને સરકારી રેકર્ડ હોવાનું જણાવી આ દલીલ તદ્દન તથ્યવિહીન હોવાનું જણાવ્યું હતું.
‘અહ્યાથી ઉપડો’… પોલીસે પીડિતાના પિતાને વારંવાર ધક્કા ખવડાવ્યા
અદાલતે મામલામાં નોંધ્યું છે કે, પીડિતા ગુમ થયાં બાદ અંદાજિત 22 દિવસ બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન 12 દિવસ સુધી પીડિતાના પિતા દરરોજ પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવતા હતા. પીડિતાના પિતા ફરિયાદ લેવાનું કહેતા ત્યારે ફરજ પરના કર્મીઓ અહીંયાથી ઉપડો તેવું કહેતા હતા. ત્યારે પોલીસની આ ભૂમિકાથી અદાલતે ધોરાજી પોલીસને ફટકાર લગાવી હતી.