યુથ કોંગ્રેસના પ્રમુખ અને સફાઈ કામદારોના યુવા નેતાના પાલિકા પર ગેરરીતિના આક્ષેપ
ધોરાજી નગરપાલિકા માં રોજમદાર સફાઈ કામદારોને મળતા પગારમાં વિસંગતતા મામલે ધોરાજી યુથ કોંગ્રેસના પ્રમુખ અને સફાઈ કામદારોના યુવા નેતા આશિષભાઈ જેઠવાએ સફાઈ કામદારો સાથે સફાઈ કામદારોની વ્યાજબી માગણી સાથે ધોરાજી પ્રાંત અધિકારીને રૂબરૂ લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું.
સમસ્ત મજદૂર સંગઠન ધોરાજીના દિલીપભાઈ વાઘેલા, ગોપાલભાઈ રાઠોડ સહિત આગેવાનો અને રોજમદાર સફાઇ કામદારો, ડોર ટુ ડોર અને ખાતર વિભાગનાએ ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપતા જણાવેલ કે ધોરાજી નગરપાલિકા દ્વારા સરકારી ધારાધોરણ મુજબ સફાઈ કામદારોને વેતન ચુકવાતુ નથી. અને છેલ્લા થોડા વર્ષોથી ાર કાપવામાં આવતું નથી. કોન્ટ્રાકટરો દ્વારા યોગ્ય વેતન અપાય તેવી આવેદનપત્રમાં માગણી કરવામાં આવી હતી.
આ તકે મીડિયા કર્મીઓ સામે યુથ કોંગ્રેસના પ્રમુખ અને સફાઇ કામદારોના નેતા આશિષભાઈ જેઠવાએ નગરપાલિકા સામે ગેરરીતિના ગંભીર આક્ષેપો કરતા જણાવેલ કે છેલ્લા ત્રણ વર્ષથી રોજમદાર કર્મચારીઓને પીએફ કાપવામાં આવતું નથી. નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માં વહાલા દવલાની નીતિ રાખી અમુક કામદારોને ૪૦૦૦ તો અમુક કામદારોને ૮૦૦૦ સુધી વેતન ચૂકવાય છે. સરકારી નિયમ મુજબ વેતન ચુકવાતું નથી. તેમજ નગરપાલિકામાં અમુક સફાઈ કામદારોના ડમી નામ ચલાવવામાં આવે છે તેઓ પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.તેમજ બે દિવસમાં આ પ્રશ્ને ઉકેલ લાવવામાં નહીં આવે તો સમગ્ર શહેરમાં સફાઈ કામ સજ્જડ રીતે બંધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે થોડા દિવસ પહેલા ડમી સફાઈ કામદારો મામલે કોંગ્રેસના યુથ પ્રમુખ આશિષ જેઠવાએ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી જોકે હજુ એ પ્રશ્ને કોઈ યોગ્ય ઉકેલ આવે તે પહેલા યુથ કોંગ્રેસના પ્રમુખ ફરી એક વખત કામદારોના પ્રશ્ને નવી રજૂઆત લઈ પાલિકાની સામે લડતમાં આગેવાની લીધી છે. આશિષભાઈ જેઠવા પોતે યુથ કોંગ્રેસના પ્રમુખ છે અને નગરપાલિકા માં શાસન પણ કોંગ્રેસનું છે ત્યારે સફાઈ કામદારોના પ્રશ્ને ઉકેલ લાવવો તે સ્વાભાવિક રીતે કોંગ્રેસના હોદ્દેદારો અને પદાધિકારીઓની ફરજ છે. જે પ્રશ્ન તેમણે પક્ષના સાથીઓ સાથે બેસી ઉકેલવાનું છે તેના બદલે તેમણે પોતાના પક્ષની નગરપાલિકા સામે આંદોલન કરવું પડે તે બાબત હજમ થતી નથી તો શું પ્રમુખ દ્વારા રાજીનામાની ચીમકી આપી માત્ર પેપર પર પ્રસિદ્ધ થવું કે પછી વાસ્તવિક રીતે સફાઈ કામદારોના પ્રશ્નો ઉકેલવાના છે તે તો વાચકો જ નક્કી કરી શકે.
હાલ પડતર પ્રશ્નો ઉકેલવા સફાઈ કામદારો દ્વારા બે દિવસ બાદ હડતાલનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.