ઉમરાળા ગામનો યુવાન મિત્રની બહેનના લગ્નમાં આવ્યો અને હાર્ટએટેક આવતાં મોત નિપજયું
ધોરાજીના બહારપુરા વિસ્તારમાં ગઇ કાલે સાંજે લગ્નમાં ડિસ્કો કરતી વેળાએ ઉમરાળા ગામના યુવાનનું હૃદય બેસી જતા મોત નિપજયાનું સામે આવ્યું છે. મિત્રની બહેનના લગ્નમાં આવેલા યુવાનના મોતથી હર્ષોલ્લાસનો પ્રસંગ શોકમાં પલટાયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ઉમરાળા ગામમાં રહેતો દિપક કિશોરભાઈ સોલંકી નામનો 22 વર્ષીય યુવાન ગઇ કાલે ધોરાજીના બહારપુરા વિસ્તારમાં પોતાના મિત્ર ઋત્વિકની બહેનના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો.
તે દરમિયાન સાંજે 7:30 વાગ્યાના અરસામાં લગ્ન પ્રસંગમાં ડિસ્કો કરતી વેળાએ દિપક સોલંકીને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો. જેથી યુવાન ઢળી પડતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ જ્યાં તબીબે યુવાનને મૃત જાહેર કરતા હર્ષોલ્લાસનો પ્રસંગ શોકમાં પલટાયો હતો.
કાતિલ ઠંડીના હિસાબે નાની વયના યુવાનોમાં પણ જાણે હાર્ટએટેકનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ રાજકોટમાં ક્રિકેટ રમતી વેળાએ અને કોલેજમાં ફૂટબોલ રમતી વેળાએ બે યુવાનોના હૃદય બેસી જતાં બંનેના મોત નિપજયાની ઘટના હજુ તાજી છે. ત્યારે ધોરાજીના બહારપુરા વિસ્તારમાં માત્ર 22 વર્ષીય ઉમરાળા ગામનો યુવાન દિપક સોલંકીનું ડિસ્કો કરતી વેળાએ હાર્ટ ફેલ થઈ જતાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ: બેટી રામપરા ગામે ઠંડીથી ઠુઠવાઈ જતા ભિક્ષુકનું મોત
રાજકોટ શહેરના ભાગોળે આવેલા બેટી રામપરા ગામે ગઇ કાલે સાંજે આશરે 40 વર્ષીય અજાણ્યા ભિક્ષુક યુવાનને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે ભિક્ષુક યુવાનને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફને ઘટનાની જાણ થતાં તુરંત સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ભિક્ષુક યુવાન હોવાનું અને ઠંડીના કારણે ઠુઠવાઈ જતા તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઈ આર.કે.રાઠોડ સહિતના સ્ટાફે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.