સ્ટાર કાસ્ટે ‘અબતક’ સાથે મન મુકીને ફિલ્મની ચર્ચા કરી
તદન નવી વાર્તા સાથે ગુજરાતી ફિલ્મ ‘શું થયું’ આગામી તા.૨૪ને શુક્રવારે થિયેટર્સમાં રજુ થવા જઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે સ્ટાર કાસ્ટ ‘અબતક’ના આંગણે આવી હતી અને ફિલ્મની કથા, સંગીત તથા રિલીઝ સહિતના પાસા અંગે મન મુકીને વાતો કરી હતી.
છેલ્લો દિવસ ફેમ યશ સોન તથા કિંજલ રાજપરીયાએ ફિલ્મમાં પોતાના પાત્રો બાબતે વાત કરતા કહ્યું હતું કે, ફિલ્મમાં આ કેરેકટર ભજવવા ખુબ જ ચેલેન્જીગ હતા. પાત્રો અગાઉની ફિલ્મ છેલ્લા દિવસ કરતા ઘણા ભિન્ન છે માટે તે ઈમેજમાંથી બહાર આવવાની ચેલેન્જ અમારા માટે હતી. ફિલ્મ માટે ૩૦ દિવસના શુટીંગમાં ૨૮ અલગ-અલગ લોકેશનોનો ઉપયોગ કરાયો હોવાનું પણ તેમણે કહ્યું હતું. આ ફિલ્મના ડિરેકટર કિશ્નદેવ યાજ્ઞિક છે. સંગિત કેદાર અને ભાર્ગવે આપ્યું છે. એડિટર નિરવ પંચાલ છે. જયારે સિનેમેટોગ્રાફરની જવાબદારી પ્રશાંત ગોહેલે નિભાવી છે. ફિલ્મના પ્રોડયુશર મહેશ દનાનાવાર તથા વિશાલ શાહ છે.
ફિલ્મની કથા અંગે સ્ટાર કાસ્ટે કહ્યું હતું કે, મનનનેદિપાલીજોડે લગ્ન કરવા છે અને ખુબ પ્રયત્ન પછી દિપાલીના માં-બાપને લગ્ન માટે મનાવે છે. લગ્નની તૈયારીઓ શરૂ થાય છે પરંતુ તેના મિત્રો નીલ, વિરલ અને ચિરાગ સાથે રમતા સમયે લગ્ન પહેલા જ મનનનો અણધાર્યો અકસ્માત થાય છે. મનન એક જ વાકય વારંવાર વાગોળતો હોય છે અને તેના મિત્રો જયારે તેને ડોકટર પાસે લઈ જાય છે ત્યારે તેઓને ખબર પડે છે કે મનને તેના પાછલા ૨ વર્ષની યાદ શકિત ભુલી બેઠો છે કેમ કે તેને માથા પર ઈજા પહોંચી હોય છે.
હવે મનન દિપાલીને ઓળખતો નથી અને તેના મિત્રો સિવાય આ અકસ્માતની કોઈને જાણ હોતી નથી. શું મનનના લગ્ન થશે? શું મનન બધું યાદ આવશે? શું એના પરીવારને આ વિશે જાણ થશે? શું મનન કહી શકશે, શું થયું?