ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ભારતને 28 વર્ષ બાદ ક્રિકેટ વિશ્વ કપ જીતાડનાર મહેન્દ્રસિંહ ધોનીએ વિદેશમાં પોતાના ધંધાની શરૂઆત કરી છે. મહેન્દ્રસિંહ ધોનીએ શનિવારે દુબઈ ખાતે પોતાની પહેલી ઈન્ટરનેશનલ ક્રિકેટ એકેડેમી શરૂ કરી. દુબઈના પેસેફિક સ્પોર્ટ્સ ક્લબ અને આરકા સ્પોર્ટ્સ ક્લબ સાથે શરૂ કરવામાં આવેલી એકેડેમી છેલ્લા કેટલાક મહિનાથી અલ કુઓજ સ્પ્રિન્ગડેલ્સ સ્કૂલમાં ચાલી રહી છે. હવે ધોનીએ ઔપચારિક તરીકે લોન્ચ કર્યું છે.
એમ એસ ધોની ક્રિકેટ એકેડેમીમાં ભારતીય કોચ બાળકોને તાલીમ આપશે. ધોનીએ ઉત્સાહિત તાલીમાર્થીઓ અને તેમના માતા-પિતા સાથે આ એકેડેમીનું ઉદઘાટન કર્યું. અહીં નિયમિત સમયે મેચોનું આયોજન કરવામાં આવશે. કોચિંગ સ્ટાફની આગેવાની મુંબઈના પૂર્વ બોલર વિશાલ મહાડિક કરશે. ધોનીએ આ પ્રસંગે કહ્યું કે, ‘આ એકેડેમીનો ભાગ બનીને હું ખુબ ખુશ છું. અને આ કોચિંગ ક્લાસને સફળ બનાવવા માટે પુરતા પ્રયત્નો કરીશ.
ક્રિકેટમાં યોગદાન આપવું મારું સપનું રહ્યું છે અને તે દિશામાં હું પહેલ કરી રહ્યો છું.’