હેડ કોચ રવિ શાસ્ત્રીએ માહીના ગુણગાન ગાયા: અત્યાર સુધીનો બેસ્ટ વિકેટ કીપર પણ ગણાવ્યો
શ્રીલંકા પ્રવાસમા લોકેશ રાહુલ તેમજ કેદાર જાધવ જેવા યુવા બેટધરોની ધોર નિષ્ફળતા અને ૩૬ વર્ષિય લેજન્ડરી સુપરસ્ટાર ધોનીની ઉપરાઉપરી મેચ વિનિંગ ઈનિંગને પરિણામે ભારતીય કોચ રવિ શાસ્ત્રીના સૂર બદલાયા છે.
ભારતનાં ભૂતપૂર્વ સુકાની ધોનીના વખાણ કરતા શાસ્ત્રીએ જણાવ્યું કે ધોની ૨૦૧૯ના વિશ્ર્વ કપનો આધાર સ્તંભ છે. તેની ભૂમિકા મહત્વની બની રહેશે. છેલ્લા કેટલાક સમયથી ધોનીની ફિટનેસ અને ફોર્મ સામે પ્રશ્ર્ન હતો. પણ શ્રીલંકા પ્રવાસમાં છેલ્લા ત્રણ મેચમાં અણનમ રહેતા અનુક્રમે ૪૫,૬૭ અને ૪૯ રન ફટકાર્યા હતા.
આ પછી શાસ્ત્રીએ આગામી ક્રિકેટ વિશ્ર્વ કપમાં ધોનીને ભારતીય ટીમનો આધાર સ્તંભ સમાન બેટધર ગણાવ્યો છે. તેણે ખૂલ્લા મને ધોનીની પ્રસંશા કરી હતી ૨૦૧૧ના વિશ્ર્વકપમાં ભારતનાં વિજયનો શ્રેય બેશક ધોનીને જાય છે. તેના પર બોલીવૂડ ફિલ્મ ‘ધોની એન અન ટોલ્ડ સ્ટોરી’ પણ બની હતી જે ૨૦૧૬માં રીલીઝ થઈ હતી આ સિવાય ધોનીની ભૂમિકા ભજવનાર અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતને પણ ફાયદો થયો હતો.
શાસ્ત્રીએ જણાવ્યું કે ધોની હાલ દેશનો બેસ્ટ વિકેટકીપર પણ છે. બીજા વિકેટકીપરો તેના કરતા કયાય પાછળ છે. વિકેટ કિપીંગના જોરે પણ તે વિશ્ર્વ કપ વખતની ટીમમાં સ્થાન મેળવવાનો હકદાર છે. તેની પાસે વર્ષોનો અનુભવ છે.
અહી ખાસ ઉલ્લેખનીય છે કે, અગાઉ રવિ શાસ્ત્રી અને ચીફ સિલેકટરે જ ધોની પર સારી રમત બતાવવા માટે ભીંસ વધારતી કોમેન્ટ કરી હતી તેને ધોનીએ પોઝીટિવલી લઈને શ્રીલંકા પ્રવાસ દરમિયાન સારી રમત દાખવી છે. શ્રીલંકાના પ્રવાસમાં ભારત સતત જીત દર્જ કરાવે છે. તેમાં ધોનીનો ફાળો નકારી શકાય તેમ નથી.