તારીખ 4 ડિસેમ્બરથી પાંચ દિવસ દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરાશે ,તારીખ 12 ડિસેમ્બર ફોર્મ પરત ખેંચાશે
પ્રમુખ અને છ હોદેદારો તેમજ એક મહિલા કારોબારી સહિત10 કારોબારી મળી 16 બેઠકો માટે જંગ જામશે
લગ્નની મોસમ સાથે સાથે રાજકોટ સહિત રાજ્યના તમામ બાર સોસિયેશનની ચૂંટણીના ઢોલ ટબુકિયા છે. રાજકોટ બાર એસો. દ્વારા નિમેલા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જેમાં 2024ની સાલના હોદ્દેદારોની ચૂંટણી તા. 22/ 12/ 2023ના રોજ યોજવા માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતા જ પ્રમુખ પદ સહિતના હોદ્દેદારોના ઉમેદવારો ના નામ સપાટી ઉપર આવવા લાગ્યા છે.
ગુજરાત બાર કાઉન્સિલના નિયમો મુજબ રાજકોટ સહિત રાજયના દરેક બાર.એસોની ચૂંટણી એકજ દિવસે યોજાશે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા ખાસ 3 ચૂંટણી અધિકારીઓ તરીકે જયેશ એન. અતીત, એ. વાય. દવે અને કે. ડી. શાહની નિમણૂક કરવામાં આવી છે
આ ચૂંટણી અધિકારીઓએ બહાર પાડેલ જાહેર યાદી મુજબ આગામી તા.22 ડિસે.2023ના રોજ ચુંટણી યોજાશે, જે માટે તા.2/ 12/ 2023ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ’વન બાર વન વોટ” મુજબ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. બાર. એસો.ની ચૂંટણીના તા.4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સાંજના 5.00 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ તા. 11 ડિસેમ્બરના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને આજ દિવસે સાંજના પાંચ વાગ્યે ઉમેદવારોની પ્રથમ યાદી બનશે. તા. 12 ડિસેમ્બરના રોજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. અને તા.13 ડિસેમ્બરના રોજ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે. અને તા. 22 ડિસે.ના રોજ રાજકોટ બાર.એસો.ના મેઇન હોલમાં સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી મતદાનનો સમય નકકી કરવામાં આવ્યો છે.
રાજકોટ બાર.એસો.ની યાદી મુજબ 6 હોદ્દેદારો પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, લાયબ્રેરી સેક્રેટરી અને 10 કારોબારી સભ્યોમાં એક અનામત તેમજ ઓપન કેટેગરીમાં કારોબારી માટે 9 જગ્યાઓ માટે ચૂંટણી યોજાશે. રાજકોટ બાર. એસો.ની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થતા જ ચૂંટણી લડવા ઉત્સુક ઉમેદવારોના નામો સપાટી ઉપર આવવા લાગ્યા છે.