આજે ધીરૂભાઈ અંબાણીની પૂણ્યતિથિ પર વિશેષ
ધીરૂભાઈ અંબાણીની આત્મનિર્ભરતા પ્રત્યેની દીર્ધદ્રષ્ટીના પ્રતાપે આજે વૈશ્ર્વિક આર્થિક મંદીમાં પણ રિલાયન્સ બની વિશ્ર્વની પ્રથમ દેવા મૂક્ત કંપની
આત્મનિર્ભરતા શબ્દ આજકાલ વધુ પ્રચલનમાં છે. કોવિડ-૧૯ને લીધે અર્થવ્યવસ્થામાં પડેલા ગાબડામાંથી ઉગરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે સૌ ભારતીયોને આહ્વાન આપ્યું. સ્વતંત્રતા આંદોલન દરમ્યાન પણ મહાત્મા ગાંધીએ સ્વાવલંબન કહેતાં આત્મનિર્ભરતાનો મંત્ર આપ્યો હતો. જો કે મહાત્માજી અને મોદીજી બન્નેએ અલગ અલગ સંદર્ભમાં આત્મનિર્ભરતાની મહત્તાની વાત કરી છે, પણ અહીં ધીરૂભાઇ અંબાણીની વાત કરવી છે જેમણે આત્મનિર્ભરતા પ્રતિપાદિત કરી દર્શાવી હતી; અને આજે તેમના વંશજો, ખાસ કરીને મૂકેશ અંબાણી તથા તેમનાં બાળકો તેને આગળ ધપાવી રહ્યાં છે.
આત્મનિર્ભર ભારતના ટીકાકારો જે માનતા હોય તેને દરકિનાર કરીને જોઇએ તો મહાત્માજી અને મોદીજી બન્નેની આત્મનિર્ભરતા એટલે બીજા ઉપર અવલંબન ઘટાડવું, વધુ મદાર ભારત અને ભારતીયતા પર જ રાખવો તેમજ ભારતની અંતર્નિહિત શક્તિ, ક્ષમતા તથા સામર્થ્ય ઉપર આધારિત રહેવું. કારણ કે આખરે ઉદ્દેશ્ય તો ભારતને વધુ શક્તિશાળી, વધુ સક્ષમ અને વધુ સામર્થ્યવાન બનાવવાનો છે: સાંસ્કૃતિક રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે!
ધીરુભાઈ અંબાણીને મેં ખૂબ નિકટથી જોયા અને જાણ્યા છે તેથી હું નિર્ભીક રીતે કહી શકું કે ધીરુભાઈ તેમનાં વ્યાવસાયિક સાહસોમાં આત્મનિર્ભરતાને પ્રાધાન્ય આપતા એટલું જ નહિ, તેને અમલમાં પણ મૂકતા. ભારતીય ઔદ્યોગિક અને કોર્પોરેટ પરિદ્રશ્યમાં ધીરુભાઈ અંબાણીનો નાટ્યાત્મક ઉદય જ એ વાતની પ્રતીતિ કરાવે છે કે ભારતીય સામર્થ્ય, ક્ષમતા અને સ્પર્ધાત્મકતાને ઉજાગર કરવા તે દ્રઢનિશ્ચયી અને કૃતસંકલ્પ હતા. પોતાની કંપનીનું નામ રિલાયન્સ (અવલંબન/આધાર) રાખીને જ તેમણે ડંકો વગાડીને કહી દીધું હતું કે તેઓ આત્મનિર્ભર (Self Reliant) છે અને બીજાઓ પણ તેમની ઉપર તથા તેમની કંપની ઉપર આધાર રાખી શકે છે; આત્મનિર્ભર થઇ શકે છે!
સાઇઠ અને સિત્તેરના દાયકામાં મને યાદ છે કે આપણા દેશમાં સુટિંગ-શર્ટિગના આયાતી કપડાંના શોખીનોમાં ૮૦-૨૦ (એઇટી-ટ્વેન્ટી) શબ્દ બહુ પ્રચલિત હતો. લોકો ૮૦ ટકા પોલિયેસ્ટર અને ૨૦ ટકા કોટનના મિશ્રણવાળા કાપડ માટે ગાંડા હતા. ધીરુભાઈ અંબાણી, કે જેમની પાસે બજારની નાડ પારખવાની જબર્દસ્ત કુનેહ હતી, તેમણે અમદાવાદમાં વિશ્વ કક્ષાની અદ્યતન કાપડ મિલ સ્થાપી. તે પણ એવા સમયે કે જ્યારે પરંપરાગત મિલમાલિકો આ વ્યવસાય છોડીને પોતાની સંપત્તિને રોકડી કરવાનાં આયોજનો કરતા હતા. પોલિયેસ્ટર અને ટેક્સટાઇલમાં ધીરુભાઈ દુનિયાનું મોટું નામ બની ગયા! કાપડ મિલ પછી તેમણે પોલિયેસ્ટર સહિત પેટ્રોરસાયણ ઉત્પાદનોની મોટી વણઝાર ઊભી કરી અને આ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવ્યું. એટલું જ નહિ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, રાંધણ ગેસ જેવાં બળતણો જે ભારતમાં વર્ષોથી આયાત કરવાં પડતાં હતાં તે તમામમાં પણ તેમણે ભારતને આત્મનિર્ભર બનાવ્યું. તે માટે તેમણે જામનગરમાં દુનિયાની સૌથી મોટી ક્રૂડ ઓઇલ રિફાઇનરી સ્થાપી અને વિશ્વમાં પેટ્રોલિયમ તથા પેટ્રોરસાયણ ઉત્પાદનોની સપ્લાય-શ્રૃંખલાની મુખ્ય કડી બન્યા. ધીરૂભાઈના દિર્ધદ્રષ્ટીના કારણે આજે વિશ્ર્વભરમાં મહામંદી હોવા છતાં રિલાયન્સ વિશ્ર્વની પ્રથમ દેવા મુક્ત કંપની બની છે.
વડાપ્રધાન પણ જ્યારે આત્મનિર્ભર ભારતની વાત કરે છે ત્યારે તેમનું તાત્પર્ય પણ એ જ છે: ભારતીય ઇનોવેશનને પ્રોત્સાહન! ભારતીયો તથા ભારતીયતાને સામર્થ્યવાન બનાવવું! સ્થાનિક (લોકલ)ને વધુ વાચાળ (વોકલ) કરી અંતે તેને વૈશ્વિક (ગ્લોબલ) બનાવવું! આ જ આત્મનિર્ભરતા!
જીવન જરૂરી ચીજવસ્તુઓ તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેવા વર્ષો જૂના કાયદાઓની નાગચૂડમાંથી કૃષિ સેક્ટરને છોડાવીને તેની શરૂઆત ભારત સરકારે કરી દીધી છે. હવે ખેડૂતો પોતાની ઉપજ પોતાની રીતે વેચવા મુક્ત છે. તે જ રીતે અધિકારી તંત્રની આંટીઘૂંટીમાંથી ભારતીય ઉદ્યોગોને મુક્ત કરવા, સ્થાનિક તેમજ વૈશ્વિક રોકાણને ઉત્તેજન આપવું તે પણ આત્મનિર્ભર ભારત તરફની છલાંગ છે.
ધીરુભાઈ અંબાણી વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવતા હોવા છતાં તેમના પગ ધરતી પર જડાયેલા રહેતા અને આંખો ભારતના ઔદ્યોગિક તેમજ આર્થિક વિકાસ પર મંડાયેલી રહેતી. તેઓ એક વિશિષ્ટ પ્રકારના દેશી (લોકલ) વ્યક્તિ હતા! દેશના અર્થતંત્રને મજબૂત કરે તેવી બાબતો પ્રત્યે વાચાળ (વોકલ) પણ હતા! તેમજ, ભારતમાં જ વિશ્વસ્તરની ઉત્પાદન ક્ષમતાઓ અને ઉત્પાદનોનું સર્જન કરનાર વૈશ્વિક (ગ્લોબલ) મહામાનવ હતા! તેમને ભારતના યુવાધનમાં અખૂટ શ્રદ્ધા હતી અને તેમાં તે કદી નિષ્ફળ ન ગયા! તેમણે ઘણી પ્રતિકૂળતાઓનો સામનો કર્યો. તેમાંથી પણ તેઓ તક શોધી લેતા. તેમની આ પ્રકારની આત્મનિર્ભરતા આજે અત્યંત જરૂરી છે.
જેમકે મહાત્મા ગાંધીજી કહેતા કે: આત્મનિર્ભરતા એટલે સંકુચિતતા નહિ, કોઇ પણ સંજોગોમાં આપણે જોઇતી તમામ ચીજો તો આપણે ઉત્પાદિત કરી શકવાના નથી. તેથી આત્મિર્ભરતા આપણું લક્ષ્ય હોવા છતાં આપણે જે ઉત્પાદિત ન કરી શકીએ તે બહારથી લેવું જ પડે! એનો અર્થ એ થયો કે આપણે જે ઉત્પાદન કરી શકીએ તે તો કરવું જ! આપણે સૌ જે પણ કરીએ તે શ્રેષ્ઠ કરીએ. તેનું નામ આત્મનિર્ભરતા!
ધીરુભાઈ અંબાણીની પુણ્યતિથિએ જ્યારે તેમના જીવન-કવન પર નજર કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે તે એક એવા પથદર્શક હતા જેમણે આપણને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવાનો ઉજ્જવળ માર્ગ દર્શાવ્યો: પોતાના તેજસ્વી વિચારો અને કર્તૃત્વથી.
:: પ્રાસંગિક : પરિમલ નથવાણી