પહેલા ,બીજા અને ત્રીજા નોરતે અંબાજી ખાતે જીએમડીસી મેદાનમાં દરબાર યોજાશે: 2 લાખથી વધુ ભક્તો ઉમટે તેવી શક્યતા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એક વખત અંબાજી ખાતે આવનાર છે અને આ વખતે તેઓ અંબાજી ખાતે 3 દિવસ દિવ્ય દરબાર યોજશે. ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજીમાં 3 દિવસનો દિવ્ય દરબાર લગાવશે.

નવરાત્રીના પહેલા ,બીજા અને ત્રીજા નોરતે અંબાજી ખાતે જીએમડીસી મેદાનમાં આ દરબારનું આયોજન કરાયું છે.  આ દરબારમાં 2.5 લાખ કરતા વધુ ભક્તો આવી શકે છે. અંબાજીમાં ઇસ્કોન અંબે વેલી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગત 28 મે ના રોજ અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા હતા અને હવે ફરીથી અંબાજી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી 15 ઓક્ટોબરે આવશે. અંબાજી દાંતા તાલુકામાં આવે છે. આ તાલુકામાં નાના મોટા 182 ગામો આવેલા છે જે ગામો મોટાભાગના આદિવાસી બહુમતી ધરાવતા ગામો છે એટલે કથામાં આવનાર ભક્તોને નવરાત્રી પર્વમાં માતાજીના દર્શનની સાથે સાથે દિવ્ય દરબારનો લાભ મળશે.

ઇસ્કોન ગ્રુપના પ્રવીણભાઈ કોટક દ્વારા અંબાજી ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના કાર્યક્રમની માહિતી આપવા માટે ઇસ્કોન અંબે વેલી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં દિવ્ય દરબારના કાર્યક્રમ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.આગામી 15 ઓક્ટોબરના રોજ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું શરૂઆત થશે અને ત્યારબાદ બીજા નોરતે કથાના બીજા દિવસે પરચા ખોલવામાં આવશે. કથાના ત્રીજા દિવસે 17 ઓક્ટોબરના કથાનું સમાપન થશે. ત્યારબાદ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી અમદાવાદ ખાતે કથાનું ત્રી-દિવસીય આયોજન કરવામાં આવશે. ત્યાર બાદ 21, 22 અને 23 ઓક્ટોબરના રોજ બાબાની કથા પઠાણકોટ ખાતે યોજાશે. ઇસ્કોન ગ્રુપના પ્રવીણભાઈ કોટક દ્વારા જીએમડીસી મેદાન પર સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.