- બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જામનગરથી રવાના
- જામનગર એરપોર્ટ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથે કરી વાતચીત
- વનતારામાં સેલિબ્રિટીઓનુ આગમન યથાવત
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જામનગરથી રવાના થયા છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અનંત અંબાણી સાથે આઠથી દસ કિલોમીટરની પદયાત્રામાં જોડાયા હતા. તેમજ રિલાયન્સમાં રાત્રી રોકાણ કર્યું હતું. આ ઉપરાંત જામનગર એરપોર્ટ પર ધીરેન્દ્ર શાસ્ત્રી ભકતોને મળ્યા હતા. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ જામનગર એરપોર્ટ પર મીડિયા સાથે કરી વાતચીત કરી હતી.
રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે આઠમો દિવસ છે. આજે વહેલી સવારે 5 વાગ્યે તેમણે મહાદેવડિયા ગામ નજીકથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ખાડી પાસે યાત્રા પૂર્ણ કરી હતી. આઠ દિવસમાં અનંત અંબાણીએ 81 કિલોમીટરનું અંતર કાપ્યું છે. અનંત અંબાણીની પદયાત્રાના આઠમા દિવસે તેઓની સાથે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા હતા. તેમજ તેઓ ચંપલ પહેર્યાં વગર ખુલ્લા પગે યાત્રામાં જોડાયા હતા.
બાબા બાગેશ્વરે શું કહ્યું ?
View this post on Instagram
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ પદયાત્રા ભક્તિ અને શક્તિનું પ્રતિક છે. મારા પરમ મિત્ર અનંત અંબાણી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવવા માટે આ યાત્રા કરી રહ્યા છે. તેમનું તન નિરોગી છે અને મન અત્યંત તંદુરસ્ત અને શ્રદ્ધાથી પરિપૂર્ણ છે. તેમજ તેઓ મારા ખૂબ જ ખાસ મિત્ર છે અને મને તેમનું ગૌરવ છે. હું પણ તેમની સાથે આ પદયાત્રામાં સહભાગી બન્યો છું.
તેમણે વધુમાં ઉમેર્યું, આ પદયાત્રા દ્વારા હું એક સંદેશ આપવા માંગુ છું કે આપણે સૌએ હંમેશા જમીન સાથે, આપણા મૂળ સાથે જોડાયેલા રહેવું જોઈએ. આપણે ભલે ગમે તેટલી ઊંચાઈએ પહોંચીએ, જેમ કોઈ ઇમારત હવામાં નહીં, પરંતુ જમીન પર જ સ્થિર ઊભી રહી શકે છે, તેમ આપણે પણ આપણા આધાર સાથે જોડાયેલા રહેવું જોઈએ. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ અનંત અંબાણી પર સદૈવ છે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે, “જેમને દ્વારકાધીશ ભગવાન બોલાવે છે તે જ દ્વારકા જઈ શકે છે. ભગવાનને તેમના ભક્તને બોલાવ્યા છે. અમારા પ્રિય અનંત અંબાણી બધાને લઈને જઈ રહ્યા છે. સનાતન સંસ્કૃતિ સાથે તેમનું પહેલાથી જ જોડાણ છે. તેઓ કોઈપણ કામ કરે છે ત્યારે પહેલા જ દેવી-દેવતાઓ પ્રત્યેનું સમર્પણ દેખાય છે. એટલે જ ભગવાનનો વિશેષ પ્રેમ તેમની પર છે.”
અનંત અંબાણીની આ પદયાત્રા દ્વારકાધીશ પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. આ પદયાત્રા દ્વારા તેઓ યુવાનોને જમીન સાથે જોડાયેલા રહેવાનો અને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવાનો સંદેશ આપી રહ્યા છે. અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યાત્રા દરમિયાન તેઓ અનેક ગામો અને શહેરોમાંથી પસાર થશે.
અનંત અંબાણીની પદયાત્રા દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ અને ખાનગી સુરક્ષા એજન્સીના જવાનો તેમની સાથે છે.અનંત અંબાણીની પદયાત્રાને લોકોનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. રસ્તામાં આવતા ગામો અને શહેરોના લોકો તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી રહ્યા છે.