ઇડરના સાબલવાડના 61 વર્ષિય નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો
સાબરકાંઠા જિલ્લાના ઇડરના સાબલવાડના 61 વર્ષિય નિવૃત શિક્ષક કાંન્તિભાઇ પટેલે પોતાની નિવૃતિને પ્રવૃતિમાં બદલવા પ્રાકૃતિક ખેતીને અપનાવી કુદરતની સેવાનો યજ્ઞ આરંભ્યો છે. પ્રાકૃતિક પધ્ધતિથી કમલમ (ડ્રેગન ફ્રૂટ)ની ખેતી અને અન્ય શાકભાજીનુ વાવેતર કરે છે. કાંતિભાઇ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ઇડરના ગાંઠીયોલ મુકામે એક દિવસીય મુલાકાત યોજાઇ હતી.
આ મુલાકાત પ્રસંગે ખેડૂતો દ્રારા તેમના અભિપ્રાયો આપવામાં આવી રહ્યા હતા ત્યારે એક મહિલા ખેડૂતે હદયસ્પર્શિ વાત કરી, તમે મંદિર જાઓ છો, હું મંદિર નથી જતી, તમે લોકોને ઝેર ખવડાવો છો, હું અન્ન ખવડાવું છું.
આ વાતથી મને ખરેખર આઘાત લાગ્યો અને નક્કિ કર્યું કે હવે કોઇ પણ પ્રકારના રસાયણીક ખાતર,દવા કે બીયારણ વાપરવા નથી. માત્રને માત્ર પ્રકૃતિની સેવા અને માનવજાતની સેવા કરવી છે. ઓછુ મળશે તો ચાલશે પણ પાપ નથી કરવું.
વધુમાં તેઓ જણાવે છે કે, આ મુલાકાત પછી તેમણે સુભાષ પાલેકરજી દ્વારા અમદાવાદ ખાતે તાલીમ લઇ આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. ત્યારે આ કમલમની ખેતી અંગે જાણવા મળ્યું કે આ ખેતીમાં પાણી ઓછુ અને ઉત્પાદન વધુ છે.મલમ ખેતી અંગે તેમણે જણાવ્યું કે, જ્યારે તેમણે આ ખેતી અંગે ઘરે ચર્ચા કરી તો તેનો ખર્ચ જાણી પહેલા જ ના પાડી દીધી પરંતુ બીજા ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી પછી આ ખેતી કરવાનો નિશ્ચય મજબૂત થયો.
આ ખેતી માટે સરકાર સબસીડી પણ આપે છે પરંતુ હું સરકારી કર્મચારી હતો અને આજે પેંશનર છું આ કામ મારી જરૂરીયાત નથી પરંતુ શોખ છે માટે સરકારની સબસીડી ના લઈ કોઇ જરૂરીયાતવાળાને મળે તે વિચારી સબસીડી જતી કરી મે પોતાના ખર્ચે બે એકરમાં થાંભલા લગાવ્યા.
એક થાંભલા ઉપર ચાર છોડ થાય છે એવા મારા ખેતરમાં હાલ 1100 થાંભલા છે એટલે કે 4400 કમલમના છેડ છે. આ એક છોડ પરથી છ થી સાત કિલો ફળ ઉત્યાદન મેળવી શકાય છે.
આ છોડ મેં અલગ અલગ સમય અંતરે વાવ્યા છે કેટલાક છોડનો હજુ વિકાસ થઈ રહ્યો છે. પ્રથમ વર્ષ ફળની શરૂઆત થઈ ત્યારે ઓછુ ઉત્પાદન મળ્યું બીજા વર્ષે 1000 કિલો અને આ વર્ષે લગભગ 4 થી 5 હજાર કિલો ઉત્પાદનની ગણતરી છે.
આ છોડ થોર પ્રજાતિનો છે તેના ફૂલ આવ્યા પછી 45 દિવસમાં એ ફળ પાકીને તૈયાર થાય છે. આ કમલમની કિંમત બજાર કિંમત રૂ.250 પ્રતિ કિ.ગ્રા.છે. જ્યારે હું મારા ખેતરેથી 150 રૂ. પ્રતિ કિ.ગ્રા. વેચાણ કરૂં છે.
ઘરે બેઠા છુટક લોકો અને હોલસેલ વેપારી લઈ જાય છે. મુંબઇ પણ વેપારી મંગાવે ત્યારે મોકલી આપું છું. જેમાંથી મને વર્ષે દહાડે ત્રણ લાખથી વધુની આવક થાય છે.