છેલ્લા ચાર વર્ષમાં કોઈપણ કમિશનરે સ્થળ તપાસ કરી નથી: તપાસ કરવા જતા ગેરરીતિ આચરનારાઓએ હુમલો કરી કૌભાંડની હકીકતો દબાવવાનો કર્યો છે પ્રયાસ
સમગ્ર ઉત્તર ગુજરાતની જીવા દોરી સમાન અને સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાને અડીને આવેલા ધરોઈ જળાશય યોજના ઉપર તાજેતરમાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર ઉપર હુમલો કરાતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી જોકે પ્રામાણિક તેમજ કર્તવ્ય નિષ્ઠ અધિકારીની છાપ ધરાવતા ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કમિશનર નીતિન સાંગવાન ઉપર હુમલો થતાં વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ત્રણ આરોપીઓની અટકાયત કરાઈ છે તેમજ અન્યની તપાસ હાથ ધરાઈ છે
ત્યારે આઈ.એ.એસ કેડરના અધિકારી ઉપર કેમ હુમલો થયો તેની વિવિધ વાતો વહેતી થઈ હતી ત્યારે નામ ન જણાવવાની શરતે પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ધરોઈ જળાશય યોજનામાં 10000 થી વધારે કેઝ (માછલીના વિકાસ માટે બનાવાયેલા બ્લોક) બનાવાયા છે જેના ઉપર 60 ટકા લેખે લાખો રૂપિયાની સબસીડી આપવામાં આવે છે જોકે ધરોઈ જળાશયમાં હાલના તબક્કે માત્ર 1000 જેટલા જ કેઝ (મત્સ્ય વિકાસ માટેના બ્લોક) અસ્તિત્વમાં છે તેમજ બાકીના 4000 કે જ નામ પૂરતા ટકાવી રખાયા છે
જ્યારે બાકીના 5000 કેઝ કાગળ પર હોવાની વિગતો બહાર આવતા મત્સ્ય ઉદ્યોગ કમિશનર સ્થળ તપાસ માટે આવ્યા હતા જોકે કરોડોનું આ કૌભાંડ બહાર ન આવે તે માટે હુમલો કરાયા હોવાનું અંગત સૂત્રો પાસેથી માહિતી મળી છે તેમજ આ અંગેનો વિવિધ ત્રણ કમિટીનો રિપોર્ટ સહિત સાબરકાંઠામાંથી ગેરરીતિની 20 થી વધારે અરજીઓના અનુસંધાને મત્સ્ય ઉદ્યોગ કમિશનર નીતિન સાંગવાન ઉપર હુમલો થયાનું બહાર આવ્યું છે જોકે આ અંગે આગામી સમયમાં અન્ય સનસનીખેજ ખુલાસાઓ થવાની સંભાવના છે.