બરફના ભવ્ય શિવલીંગના દર્શન કરી ભકતો ભાવવિભોર
ભગવાન ભોળાનાથને અતિપ્રિય ગણાતા એવા શ્રાવણમાસ દરમિયાન ઠેર ઠેર શિવાલોયમાં ‘મહાદેવ’નો નાદ ગુંજી ઉઠે છે. શંકર ભગવાનને રીઝવવા અને તેમની પૂજા અર્ચના માટેનો શ્રેષ્ઠતમ સમય શ્રાવણ માસ ગણાય છે. ત્યારે ૧૨ ઓગષ્ટથી શરૂ થયેલા શ્રાવણ માસના છેલ્લા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના શિવમંદિરોમાં ભાવિક ભકતો ઉમટી પડયા હતા અને પૂજા અર્ચના કરી ભોળાનાથના સવિશેષ શ્રૃંગારના દર્શનનો લ્હાવો લીધો હતો.રાજકોટમાં ૧૦૨ વર્ષ પૂરાણ એવા ઐતિહાસીક ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભકિતનો અનેરો માહોલ સર્જાયો હતો. શ્રાવણ માસના અંતિમદિન નિમિતે ધારેશ્વર મહાદેવને આકર્ષક શણગાર કરાયો હતો. આ સાથે મહાપૂજા, મહાઆરતી, રામધુન અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોની પણ વણજાર જામી હતી જેનો લાભ લેવા શિવભકતો ઉમટી પડયા હતા.
આ તકે ખાસ તૈયાર કરાયેલ બરફનું શિવલીંગ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ જેના દર્શન કરી ભકતો ભાવવિભોર બન્યા હતા આ તકે મંદિરના પૂજારીએ શ્રાવણમાસ નિમિતે શિવમહિમા વર્ણવી શિવપૂજા અને દ્રાભીષેકનું મહત્વ સમજાવ્યું હતુ.