જનરલ બોર્ડના એક દિવસ પહેલા ચુકાદો આવતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ના કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજા સતત ત્રણ વખત જનરલ બોર્ડની બેઠકમાં ગેરહાજર રહેતા તેઓને ગેરલાયક ઠેરવવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા રાજય સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. ગેરલાયક ઠેરવવા સામેની દરખાસ્ત સામે તેઓએ હાઈકોર્ટમાં અરજી કરી દીધી હતી. દરમિયાન આજે હાઈકોર્ટે તંત્રની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને કોર્પોરેટરપદેથી ધર્મિષ્ઠાબાને ગેરલાયક ઠેરવવાના નિર્ણયને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. જનરલ બોર્ડની બેઠકના એક દિવસ અગાઉ જ કોર્ટના ચુકાદાથી કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.
ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજા વર્ષ ૨૦૧૫માં યોજાયેલી મહાપાલિકાની સામાન્ય ચુંટણીમાં કોંગ્રેસના પ્રતિક પરથી વોર્ડ નં.૧૮ના નગરસેવિકા તરીકે ચુંટાઈ આવ્યા હતા. દરમિયાન ચાલુ સાલ એપ્રિલ માસમાં, જુન માસમાં અને ઓગસ્ટ માસમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં તેઓ ગેરહાજર રહ્યા હતા. મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા તેઓની ગેરહાજરી અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને જાણ કરવામાં આવી હતી તથા બીપીએમસી એકટની કલમ ૧૧ મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું જેના સંદર્ભે કમિશનર દ્વારા ધર્મિષ્ઠાબા જાડેજાને કોર્પોરેટરપદેથી ગેરલાયક ઠેરવવા માટે રાજય સરકારમાં દરખાસ્ત કરી હતી જોકે આ નિર્ણય સામે ધર્મિષ્ઠાબા જાડેજાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અગાઉ ચાર વખત આ કેસમાં મુદત પડયા બાદ આજે ગુજરાત હાઈકોર્ટે મહાપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને ધર્મિષ્ઠાબા જાડેજાને કોર્પોરેટરપદેથી ગેરલાયક ઠેરવવાનું યોગ્ય જણાવ્યું છે.
આવતીકાલે મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળનાર છે તે પૂર્વે કોર્પોરેટરપદેથી ધર્મિષ્ઠાબા ગેરલાયક ઠેરવવાનો ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતા કોંગ્રેસ બેડામાં સન્નાટો મચી જવા પામ્યો છે.
તોફાનીઓને ડાહ્યા કરવાનું મેયરનું અભિયાન સફળ
રાજકોટના લાખો લોકોના પ્રશ્ર્નોની ચર્ચા જયાં થાય છે તે સભાગૃહમાં તોફાન કરી લોકશાહીને લાંછન લગાડનાર તોફાની તત્વોને ડાહ્યા કરવાનું મેયરનું અભિયાન સફળ થઈ રહ્યું છે. સતત ત્રણ જનરલ બોર્ડમાં ગેરહાજર રહેતા ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવા માટે રાજય સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી જેની સામે તેઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા દરમિયાન આજે હાઈકોર્ટે કોર્પોરેશનની તરફેણમા ચુકાદો આપતા મેયરનું અભિયાન સફળ રહ્યું છે. મેયર બીનાબેન આચાર્યએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હવે આવતીકાલે જનરલ બોર્ડની બેઠકમાં ધર્મિષ્ઠાબા જાડેજા પ્રેક્ષક ગેલેરીમાં પણ ન બેસે તે જ યોગ્ય ગણાશે.