આ છે… રાજકોટ
ઐતિહાસિક ઘટનાથી શહેરીજનો અજાણ: ફેશનનો પ્રવાહ ફરતા ઝાંખી પડેલી કાપડ માર્કેટની રોનક કંઈ ઔર જ હતી
વ્યકિત હોય કે સંસ્થા, સજીવ હોય કે નિર્જીવ સૌને પોતાના અસ્તિત્વ દરમ્યાન કાળની ચડતી પડતીના ચકરાવામાંથી પસાર થવું પડે જ છે. રાજકોટના બજાર એરિયામાં આવેલી શ્રી ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ તેનું તાજુ ઉદાહરણ છે. રાજકોટના રાજવી સર લાખાજીરાજે સવંત ૧૯૭૭માં બંધાવેલ ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ તેના અસ્તિત્વના એકસોમાં વર્ષના દ્વારે આવીને ઉભી છે. તે ઐતિહાસીક ઘટનાથી શહેરીજનો તો અજાણ છે. જ પણ શહેરનાં સત્તાધીશો પણ બેખબર હોય તેમ જણાય છે. એક સમયે કાપડના વેંચાણથી ધમધમતી આ માર્કેટની જાહોજલાલી જોવા જેવી હતી પરંતુ કાળક્રમે આવતા પરિવર્તનો અને બદલાતી ફેશનને કારણે માર્કેટની જાહોજલાલી ઓસરતી ગઈ અને આજે તો આ માર્કેટ કહેવા પૂરતી જ કાપડ માર્કેટ રહી છે. તેમાં કાપડની દુકાનો તો ગણીગાંઠી જ રહી છે. અને શહેરીજનો કાપડ ખરીદવા આ માર્કેટમાં જાય છે.
આ માર્કેટમાં કાપડ ખરીદવા જવાની વાત તો દૂર આ માર્કેટ કયાં આવી તે બાબતથી પણ મોટાભાગના અને ખાસ તો આજની નવી પેઢી અજાણ છે. જયુબેલી ચોકથી આગળના દેના બેંક ચોકથી રૈયા નાકા ટાવર તરફ જતા રસ્તા તરફ આગળ જઈએ એટલે ધર્મેન્દ્ર રોડની બરાબર સામે ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ આવેલી છે.સર લાખાજીરાજે પોતાના કાર્યકાળ દરમ્યાન બંધાવેલી આ માર્કેટ આઝાદી પછી પીડબલ્યુ ડી હસ્તક આવી. આ માર્કેટમાં સંખ્યાબંધ દુકાનો છે. તેમાંની ઘણી કાપડ સિવાયની તો ઘણી ગોડાઉન કે ઓફિસ તરીકે વપરાય છે.
વર્ષો પહેલા રાજકોટનો વસ્તી અને વિસ્તાર મર્યાદિત હતો ત્યારે કાપડના ધંધાર્થીઓ કાપડ વેચવા જુદા-જુદા ઠેકાણે બેસતા, તે વાત રાજવી સર લાખાજીરાજના ધ્યાને આવતા તેમણે આ માર્કેટ બાંધવાનું આયોજન હાથ ધર્યું અને જોતજોતામાં આ માર્કેટની ઈમારત ઉભી થઈ. ધંધાર્થીઓ એક જ ઠેકાણે બેસી ધંધો કરી શકે અને પ્રજાજનોને પણ એક જ જગ્યાએથી કાપડ મળી રહે તેવા આશયથી આ કાપડ માર્કેટ બંધાવાય હતી. તે વખતે દરેક પરિવાર પોત પોતાના નિશ્ર્ચિત કાપડીયા નકકી હતા અને તેની પાસેથી જે તે પરિવાર કાપડની ખરીદી કરતો વળી તે સમયે તૈયાર કાપડાનું ચલણ ન હતુ લોકો દરજી પાસે શિવડાવેલા કપડા પહેરતા, વર-વધુ માટેના પાનેતર, ઘરચોળા સહિતની બધી વેરાયટી આ માર્કેટમાંથી જ મળી રહેતી તેથી લોકો ખરીદી માટે અહી જ આવતા તે સમયે માર્કેટની જાહોજલાલી જોવા જેવી હતી.
સમયના વેતા વહેણની સાથે વસ્તી અને વિસ્તાર વધતા કાપડના ધંધાર્થીઓએ અન્ય બજાર વિસ્તારો જેમકે ધર્મેન્દ્ર રોડ, ઘી-કાંટા રોડ, ઢેબર રોડ, લાખાજીરાજ રોડ, ગુંદાવાડી, પેલેસ રોડ વગેરે સ્થળોએ કાપડની દુકાનો કરી ધંધો જમાવતા ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટની જાહોજલાલી ઓસરતી ગઈ. આજે આ માર્કેટ તેના અસ્તિત્વના એકસોમાં વર્ષના દ્વારે આવીને ઉભી છે. ત્યારે પોતાના ભવ્ય ભૂતકાળને યાદ કરતી એકાંકી હાલતમાં આંસુ સારતી હોય તેવી માર્કેટની હાલત છે. આ ઐતિહાસિક ઈમારતના શતાબ્દી વર્ષની ઉજવણીનું શહેરનાં સત્તાધીશો આયોજન ઘડી કાઢે તેની સાથોસાથ તેના નવીનીકરણ અંગે પણ વિચારણા થાય તેવી અપેક્ષા અસ્થાને નથી.
કાપડ માર્કેટનાં દસ્તાવેજ
સવંત ૧૯૭૭માં નિર્માણ થયેલ ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ આજે ૨૦૭૬ની સાલમાં ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે. આ કાપડ માર્કેટ જૂના જમાનામાં ખૂબજ પ્રખ્યાત હતી. આસપાસનાં ગામડામાંથી કાપડ ખરીદી કરવા અહી આવતા અમુક દુકાનોનાં દસ્તાવેજ જોતા પારેખ મણિલાલ ત્રિભોવન લખી આપનાર અને લખાવી લેનાર શેઠ અમરચંદ માધવજી દશા સોરઠીયા વણીક વિદ્યાલય રાજકોટ છે. બક્ષીસપત્રનો દસ્તાવેજ ફકત રૂા. એક હજારનો જોવા મળે છે. હાલ આ કાપડ માર્કેટમાં ઘણી દુકાનો છે. જેનું ભાડુ ફકત બે આંકડામાં છે. આજની તારીખે શેઠ એ.એમ.દશા સોરઠીયા વણીક વિદ્યાલય-રાજકોટ નામથી ભાડુ ચૂકવે છે.