ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 156 બેઠકો મળી હોવા છતાં સત્તાધારી પક્ષ ભાજપ હરીફો ભવિષ્યમાં ક્યારેય બેઠા ન થઇ શકે તેવા પ્લાનીંગ સાથે આગળ વધી રહ્યું છે. લોકસભાની આગામી ચૂંટણીમાં રાજ્યની તમામ 26 બેઠકો 5 લાખથી પણ વધુ મતોની લીડ સાથે જીતવા માટેનો ટાર્ગેટ ભાજપ દ્વારા સેટ કરવામાં આવ્યો છે. અગાઉ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યને તોડવામાં સફળ રહેલું ભાજપે હવે અપક્ષ તરફ મીટ માંડી છે. વડોદરાની વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે તાજેતરમાં બેઠક યોજી હતી. તેઓ ગમે ઘડીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કેસરિયો ખેસ ધારણ કરી લેશે.
ગમે ત્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કરી લેશે: ભાજપ ત્રીજા ધારાસભ્યને તોડવામાં સફળ
અગાઉ ભાજપે ઓપરેશન લોટ્સ અંતર્ગત વિસાવદર વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપતભાઇ ભાયાણી પાસે રાજીનામું અપાવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસની એક વિકેટ ખડી હતી. આણંદ બેઠકના કોંગી ધારાસભ્ય અમિત પટેલે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે વડોદરાની વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ કોઇપણ ઘડીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને આપી શકે છે. તેઓએ તાજેતરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે એક બેઠક કરી હતી.
દરમિયાન એક નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે હું વર્ષોથી ભાજપનો સમર્થક છું. પાર્ટી જ્યારે આદેશ આપશે ત્યારે હું રાજીનામું આપી દઇશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ વર્ષ-2022માં વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડીયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઇ ધારાસભ્ય બન્યા હતા. તેઓની સાથે અન્ય પાંચ બેઠકો પરથી અપક્ષ ચૂંટાયેલા તમામ ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઇ તેવી સંભાવના જણાઇ રહી છે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત હરીફ પક્ષોના અસંતૃષ્ઠ નેતાઓને ભાજપની વિચારધારા સાથે જોડવા માટે ભાજપ દ્વારા પાંચ સભ્યોની એક સ્ક્રીનીંગ કમિટીની રચના કરવામાં આવી છે.આ કમિટી દ્વારા જાહેર જીવન અગ્રણીઓ ઉપરાંત હરીફ રાજકીય પક્ષોના નેતાઓને ભાજપમાં જોડવા માટેનું કામ કરવામાં આવશે.તોડજોડની રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે.અગાઉ બે ધારાસભ્યને તોડવામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી. હવે ત્રીજા ધારાસભ્ય તૂટી રહ્યા છે.હરીફો ભવિષ્યમાં ક્યારેય બેઠા ન થઈ શકે તેવું પ્લાનિંગ ભાજપ દ્વારા ગોઠવવામાં આવી રહ્યું છે.
અમિત શાહ કાલે ગુજરાતમાં: વાઇબ્રન્ટ સમિટના સમાપનમાં આપશે હાજરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ફરી એકવાર માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી સિઝનનો આરંભ કરાવવામાં આવ્યો હતો. આજે સમિટનો બીજો દિવસ છે.
દરમિયાન આવતીકાલે સમિટનું સમાપન થશે. જેમાં અમિતભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહેશે. લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ મોદી અને શાહની જોડીના ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે.
એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કમૂરતા ઉતરતાની સાથે જ મંત્રી મંડળનું વિસ્તરણ અને બોર્ડ નિગમમાં નિમણુંક કરી દેવામાં આવશે.સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ પણ ઝડપથી ભરી દેવામાં આવશે.