“ઉઘાડમથો અપશુકનિયાળ, ‘ને માથે બાંધ્યે હતો માભો;
મરદ માલકતો જે છોગે, ઈ પાઘ પાઘડી અને સાફો….
પાઘ, પાઘડી અને સાફો પુરુષને માટે માન મર્યાદા અને સમ્માનનું પ્રતીક ગણવામાં આવે છે. શિરસ્ત્રાણ અને શિરોભુષણ પ્રાચિન સમયથી પ્રદેશ, જાતિનું પ્રતિનિધિત્વ કરતાં આવ્યા છે. શિલ્પો પણ શિરોભૂષણથી ઓળખાય છે જેમ કે જટામુકુટ હોય તો એ મહાદેવ, ચંડી, ભૈરવ અને તાપસ જ હોય જ્યારે કિરીટ મુકુટ હોય તો સૂર્ય નારાયણ જ હોય, તો કરડ મુકુટ હોય તો બ્રહ્મા, કે અન્ય દેવ હોય. દેવીઓ પણ આ મુકુટના પ્રકારો પરથી ઓળખાય છે. ત્યારે આ સંસ્કૃતિનું અભિન્ન અંગ પાઘ, પાઘડી અને સાફાની પરંપરાને લુપ્ત થતી બચાવવા રાજકોટના જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર) પ્રયત્નશીલ છે. બાળપણથી આ કળાને તેઓ વરેલા છે.
ધર્મરાજસિંહ વાઘેલા દર કાર્તિકી પૂનમે સોમનાથ દાદાને પાઘડી અર્પણ કરે છે. ત્યારે આજરોજ સોમનાથને સપ્તમ એટ્લે કે સાતમી પાઘડી અર્પણ કરવામાં આવી છે, જે સૌરાષ્ટ્રની પ્રભાસ પાટણની ભૂમિ પર બિરાજમાન એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર શોભશે. ભગવાન સોમનાથનું જ્યોતિર્લિંગ 7.5 ફૂટના ઘેરાવાનું છે, આથી આ પ્રમાણ મુજબ પાઘડી બનાવવાનું કામ ખુબજ મહેનત અને આગવી સુજ માંગી લે તેવું છે.
સોમનાથ મહાદેવ માટે ૧૪૦ મીટર મલમલ કોટનમાંથી રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલાએ તૈયાર કરી વિશાળકાય ગોહિલવાડી પાઘડી સોમનાથ મહાદેવ માટેની આ પાઘડી બનાવવા ધર્મરાજસિંહ વાઘેલા પોતાના પરિવાર, મિત્રો અને પાડોશી સાથે આખી ટિમ કામે લાગી જાય છે. 70 મીટર મુખ્ય કાપડ જે કેશરી બાંધણી છે, બીજું એનું અસ્તર જે 70 મિટર કુલ 140 મીટર કાપડમાં કોઈ આર્ટિફિશિયલ નહીં કે પૂંઠા જેવી કોઈ ગોઠવણ વગર જેમ પરંપરાગત માથે પાઘડી બાંધતા એજ રીતથી બંધાય છે. નીચે જમીન પર કાપડ અડે નઈ, તેમજ આની કોઈ વસ્તુ અભડાય નહીં તેમ ખાસ સાવચેતી રાખી, પવિત્રતા જાળવીને બંધાય છે.
આજની પાઘડી સ્પેશિયલ કેશરી કલરની બાંધણીમાંથી બનાવવામાં આવી છે. 140 મીટર પ્યોર મલમલ કોટનમાં બનાવેલ છે, સ્ટોન જડેલા ઝરી પટ્ટા સાથે મોટા છોગા વાળી આ લાઠીની ગોહિલવાડી પાઘડી હમીરજી ગોહિલની યાદ અપાવે છે, આમ 24 કલાક સઘન મેહનત બાદ આ ભવ્ય અને વિશાળ પાઘડી દિવ્ય જ્યોતિર્લિંગ માટે તૈયાર કરવામાં આવી છે. ધર્મરાજસિંહ વાઘેલાએ ભારતભરના અલગ અલગ પ્રદેશોમાં રઝળપાટ કરી આ કળા હસ્તગત કરેલ છે, ભારત અને વિશ્વની અંદાજે 300 જેટલી પાઘ, પાઘડી અને સાફા પર સંશોધન કરેલ છે, અને તે તમામ પોતે બાંધવાની કળા પણ જાણે છે. આ વિષયે અનેક રેકોર્ડ પણ તેમના નામે છે.
આ કળામાં યુવાનો રસલઈ આ સંસ્કૃતિ બાબતે જાગૃત બને એ માટે ઘણા જિલ્લા, તાલુકામાં અનેક ટ્રેનિંગ કેમ્પ કરી ચુક્યા છે, વર્ષ 2014માં રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં 110 પાઘ, પાઘડી અને સાફાનું પ્રથમ ભવ્ય પ્રદર્શન કર્યા બાદ, ગુજરાતમાં અનેક પ્રદેશનો સંસ્કૃતિ જાગરણ હેતુ કરી ચુક્યા છે.