વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણીએ શોક વ્યકત કર્યો
બળદેવગીરી મહારાજના નિધનથી રબારી સમાજના લાખો અનુયાયીમાં શોકની લાગણી: લાંબી બિમારી બાદ ગઈકાલે સાંજે સ્વર્ગારોહણ કર્યું
વિસનગર તાલુકાના વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરીજી બાપુ ગઈકાલે તા.૨૪ને ગુરૂવારે રાત્રે બ્રહ્મલીન થતા સમસ્ત રબારી સમાજ સહિત વિસનગર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
વિસનગર (મહેસાણા) તાલુકાના તરભ ગામમાં આવેલા વાળીનાથ અખાડા ગામમાં સમસ્ત રબારી સમાજના ગાદિપતી મહંત બળદેવ ગીરીબાપુ છેલ્લા સપ્તાહથી બીમાર હોવાને કારણે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતેથી તેમને રજા અપાતા રબારી સમાજના અગ્રણીઓ સહિત રાજકીય આગેવાનો બાપુના ખબર અંતર પૂછવા વાળીનાથ અખાડા ખાતે દોડી આવ્યા હતા. બળદેવગીરી બાપુની તબીયત સુધરે તે માટે આજરોજ શિવરાજોપચાર પૂજન તથા પાઠક લઘુરૂદ્ર મહોત્સવનું પણ આયોજન કરાયું હતુ પરંતુ ગુરૂવારે મોડીરાત્રે બાપુ બ્રહ્મલીન થતા રબારી સમાજના ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. બાપુના અંતિમ દર્શને સમાજના અગ્રણીઓ વાળીનાથ ખાતે પહોચ્યા હતા.
બળદેવગીરીજી બાપુ બ્રહ્મલીન થતા વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી રૂપાણી તેમજ અમિત શાહે ટવીટ કરી શ્રધ્ધાંજલી પાઠવી છે. આજે સવારે ૮ કલાકે બાપુના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યા હતા. તેમજ બપોરે ૨.૩૦ કલાકે બાપુની શોભાયાત્રાનું આયોજન કરાયું છે. સાંજે ૫ કલાકે તરભ મુકામે મંદિરમાં સમાધિ આપવામાં આવશે.
બપોરે ૨-૩૦ કલાકે શોભાયાત્રા બાદ સાંજે અપાશે સમાધી
મહેસાણા જિલ્લામાં વિસનગરના તરતીમાં સમસ્ત માલધારી સમાજની ગુરૂવાદી વાળીનાથ અખાડા ધામના મહંત બળદેવગીરીજી મહારાજ બ્રહ્મલીન થયા છે. જેના પગલે સમગ્ર માલધારી સંતો-મહંતો અને રબારી સમાજ ઘેરા શોકમાં છે. બાપુ બ્રહ્મલીન થતાં જ અંતિમ દર્શન માટે સમાજના અગ્રણીઓ વાળીનાથ ખાતે દોડી આવ્યા હતા. આજે બપોરે બાપુના દર્શન અને શોભાયાત્રા બાદ સાંજે સમાધિ અપાશે. મહંત લાંબા સમયથી બિમાર હોવાના કારણે તેમની સારવાર ચાલી રહી હતી. બળદેવગીરી મહારાજના નિધનથી રબારી સમાજના લાખો અનુયાયીઓમાં શોકની લાગણી પણ પ્રસરી છે. લાંબી બીમારી બાદ સાંજે તેઓ સ્વર્ગારોહણ કરી ગયા હતા.