તંત્રનું બુલડોઝર ફરે તે અગાઉ દબાણકર્તાઓ સ્વયં દૂર કરવા માંડયા
તંત્ર દ્વારા સમયાંતરે રોડ, રસ્તાઓ પર દબાણકર્તાઓ દ્વારા કરાયેલા દબાણો દુર કરવા માટે ડીમોલીશન કરવામાં આવે છે. ધારી ખાતે સોમવારથી મેગા ડીમોલીશનની શરુઆત થવાની છે. તંત્ર દબાણ દુર કરે તે પહેલા દબાણકર્તાઓ દ્વારા સ્વય દબાણો દુર થવા લાગ્યા છે. ધારીમાં નેશનલ હાઇવે, માર્ગ મકાન વિભાગના રોડ, સિંચાઇ, ગ્રામ પંચાયત, એસ.ટી. સ્ટેશન, પીજીવીસીએલ સહીતના તમામ સરકારી ખાતાની માલીકીની જમીન પરના 700 જેટલા ગેરકાયાદેસર દબાણોનું સોમવારના રોજ સવારે સાત કલાકથી ડિમોલીશન હાથ ધરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને ધારી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ગોવિંદજી મહાવદીયાના અઘ્યક્ષ સ્થાને ડીવાયએસપી હરેશ વોરાની હાજરીમાં તમામ ખાતાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ડીમોલીશન સંદર્ભે રવિવારે સાંજે 5 વાગ્યે પોલીસ ખાતા દ્વારા ફલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં કુલ 8 જેસીબી, 10 ટ્રેકટર, અને પ0 મજુરો કામ કરશે. તેમજ કાયદો અને વ્યવસ્થા માટે ડીવાયએસપી વોરાની આગેવાની હેઠળ વધારાના એક ડીવાયએસપી, 3 પી.આઇ. ર1 પીએસઆઇ અને 400 હથિયાર ધારી પોલીસ કર્મચારીઓ ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે.