લાંબી સારવાર બાદ સગીરાએ સારવારમાં દમ તોડયો: હત્યારા પ્રેમીની ધરપકડ
ધારી તાલુકાના મોણવેલ ગામમાં ત્રણ માસ પહેલા પ્રેમીએ ઝેર પીવડાવતા પ્રેમિકાની તબિયત લથડતાં તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં લાંબી સારવાર બાદ સગીરાએ દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે મર્ડરનો ગુનો નોંધી હત્યારા આરોપીની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધારી તાલુકાના મોણવેલ ગામની સેજલ ભાવેશભાઈ વાઘેલા નામની ૧૪ વર્ષીય સગીરાની તબિયત લથડતાં બગસરા બાદ અમરેલી અને ત્યાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીને ઝેરી અસર થઈ હોવાનું જાણવા મળતા તબીબે પોલીસને જાણ કરી હતી. પરંતુ લાંબી સારવાર બાદ સગીરાએ દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેથી ધારી પોલીસે સગીરાના પ્રેમી સાગર દેસુર વાઘેલા સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.
આ અંગે સગીરાના પરિવારજનોએ જણાવતા મુજબ સગીરાને ત્રણ માસ પહેલા સાગર દેસૂર વાઘેલા નામનો શખ્સ ભગાડી ગયો હતો. ત્યાર બાદ આવીને તેણીની તબિયત સતત ખરાબ રહેતી હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં આવી છે. જ્યાં તેણીએ તબીબોને જણાવ્યું હતું કે ત્રણ માસ પહેલા પોતાને ભગાડી જનાર સાગર વાઘેલાએ તેને ઝેરી દવા પીવડાવી હતી. જેથી તબીબે પોલીસને જાણ કરતા મામલતદારની હાજરીમાં સગીરાનું નિવેદન લેવામાં આવ્યું હતું.
જેમાં સગીરાએ જણાવ્યા મુજબ તેનો પ્રેમી સાગર તેને ભગાડી ગયો ત્યારે વાડીએ તે બોટલમાં ઝેરી દવા લઈ આવ્યો હતો અને સેજલને પીવડાવી કોઈને ન કહેવાની ધમકી પણ આપી હતી. પરંતુ સેજલને લાંબા ગાળે અસર થતાં તેને સારવાર માટે ખસેડયા બાદ તેને દમ તોડતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.