પુત્રની દવા લેવા ગયેલા પિતાનું મોત, માતા અને પુત્ર ઘવાતા સારવારમાં ખસેડાયા: પરિવારમાં આક્રંદ
ધારી પાસે આવેલા દલખાણીયા ગામ નજીક અજાણ્યા કાર ચાલકે બાઈકને હડફેટે લેતા પતિનું મોત થતા દંપતી ખંડિત થયું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં બાળકની દવા લેવા જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. જ્યારે પુત્ર અને માતાને ઇજા થતાં તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધારી તાલુકાના દલખાણીયા ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કાજ કરતા સુરેશભાઈ ચંદુભાઈ બોડીલા નામનો 30 વર્ષનો યુવાન પોતાની પત્ની મનીષાબેન બોડિલા (ઉ.વ.28) અને તેમનો પુત્ર રુદ્ર બોડીલા (ઉ.વ.7) બાઈક પર જતા હતા ત્યારે દલખાણીયા ગામ નજીક ભોલેનાથ મંદિર પાસે અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકર મારતાં ત્રણેય ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈ બોડીલાનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજતાં દંપતી ખંડિત થયું હતું. જ્યારે પત્ની મનીષાબેન અને પુત્ર રુદ્રને ઈજાઓ થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં ધારી પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સુરેશભાઈના પુત્ર રુદ્ર પડી જતાં તેને ઇજા થઇ હોય જેના માટે ધારી દવા લેવા જવાનું હતું. તે દરમિયાન ત્રણેયને ગંભીર અકસ્માત નડતાં મોભી સુરેશભાઈ બોડીલાનું કરુણ મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી કાર ચાલકની શોધખોળ હાથધરી છે.