પ્રેમ સંબંધ રાખવાની યુવતીના ઈન્કારથી ઉશ્કેરાઇને નરાધમે હુમલો કર્યો
જામનગરમાં ગઈકાલે સાંજે ટ્યુશન પર જતી એક કોલેજીયન યુવતીને આંતરી લઈ ધરાર પ્રેમી છરી વડે હુમલો કરતા યુવતીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવના પગલે પોલીસ તાત્કાલિક હોસ્પિટલે યુ તેની ફરિયાદ પરથી ધરાર પ્રેમી વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.વિગતો મુજબ ગઈકાલે સાંજે રામેશ્વર નગર વિસ્તારમાં આવેલ કેપી શાહની વાડીમાં પોતાની બહેનપણી સાથે એકટીવા પર જતી એક યુવતીને અજય સરવૈયા નામના શખ્સ આંતરી હતી.
એક્ટિવા ઊભું રખાવી આરોપી અજયે તેણીને પૂછ્યું હતું કે ‘તારે મારી સાથે પ્રેમસંબંધ બાંધવો છે કે કેમ ? જેના જવાબમાં યુવતીએ ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સ પોતાની પાસે રહેલી છરી કાઢી યુવતી પર હુમલો કરી દીધો હતો. માથા અને કપાળના ભાગે છરી મારતા યુવતી લોહી લુહાણ થઈ હતી. આ બનાવના પગલે લોકો એકત્ર થઈ જતા આરોપી નાસી છૂટયો હતો.
ત્યારબાદ યુવતીને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીના માથા પર પાંચ ટાંકા લેવા પડ્યા હતા.આ બનાવ અંગે યુવતીએ આરોપી અજય સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ ધરાર પ્રેમસંબંધ રાખવા માંગતો હોય અને તેણે ના પાડતા આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવના પગલે સીટી બી ડિવિઝન પોલીસ દફત્તરના સ્ટાફે આરોપીની શોધખોળ શરૂ કરી છે.