જીવન સફળ થયું પ્રભુ મારું જીવન સફળ થયું આજ ઘણા દિવસની આશા તીરથની પૂરી થઇ ગુરુ રાજ… પ્રભુ પરમ પુરુષના પાદપંકજથી આ તીરથ શિરતાજ…. પ્રભુ શ્રી રાજ બિરાજીત હતા આ ભૂમિમાં ત્યાં કરવા આતમકાજ…. પ્રભુ
જે મહાપુરુષના હ્રદયમાં સતત કરુણાનો ઝરો વહેતો હતો. આંખોમાંથી અમીરસ અને મુખથી મધુર અમૃતવાણી ઝરી રહી હતી, તેવા પુણ્યપ્રભાવક યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની ચરણરજથી જે ભૂમિ પાવન બની ગઇ હતી એ પવિત્ર તીર્થધામ એટલે ધરમપુર નામનું પવિત્ર ધામ, ગુજરાત રાજયના વલસાડ જીલ્લામાં આવેલું ગામ.
સંવત ૧૯૫૨થી મઘ્ય ગુજરાતમાં નિવૃત્તિક્ષેત્રોમાં વિચરતા શ્રીમદ્ રાજચંદ્રજી સંવત ૧૯૫૬માં ધરમપુર ખાતે પધાર્યા હતા. શરીરનું સ્વાસ્થ્ય સાવ નબળું પડી ગયું હતું. તેથી હવાફેરના હેતુથી તેઓશ્રી અહીં પધાર્યા હતા. અહીં તેઓશ્રી રણછોડભાઇ ધારસીભાઇ મોદી નામના
forest officerને ત્યાં ઉતર્યા હતા. આમ ધરમપુરની ભૂમિ, પહાડો, જંગલો, વાવ, ખેતરો… અરે સ્મશાનભૂમિ જેવું સ્થાન પણ તેઓશ્રીના ચરણરજથી પવિત્ર બની ચૂકયું હતું.
શારિરીક સ્વાસ્થ્ય નબળું હોવા છતાં શ્રીમદ્ રાજચંદ્રજી આત્મસાધનામાં લીન રહેતા હતા. આ મહાપુરુષની પાવન મંગલકારી ઉ૫સ્થિતિને પરિણામે આ ભૂમિના ઘણાં જીવો કલ્યાણમાર્ગને અને ઘણા જીવો અભયદાનને પામ્યા હતા. આ અંગે રી રણછોડભાઇ જણાવે છે કે સમયમાં આ પહાડી પ્રદેશમાં બ્રિટીશ પોલીટીકલ એજન્ટ શિકાર માટે આવેલ હતા, પરંતુ આવા પુણ્યપ્રભાવક મહાત્માના સાઁતિઘ્યમાં નિર્ભયતા અનુભવનાર જીવોનો શિકાર આ એજન્ટને પ્રાપ્ત થયો ન હતો.
વળી સમસ્ત જીવસૃષ્ટિનું કલ્યાણ જેઓના હૈયે વસ્યું હતું તેવા વીતરાગી પુરુષના આશ્રયે જીવો અભયદાન પામતા જ હોય છે. આવું જ અભયદાનનું કામ શ્રીમદ્ રાજચંદ્રજીએ મુંબઇમાં બેઠા બેઠા કર્યુ હતું. આ ધરમપુર ગામની પ્રણાલિ મુજબ દર વર્ષે દશેરાના દિવસે ૧૦૮ પાડાનો વધ થતો હતો. ધર્મને નામે ચાલતા આ હિંસાચારની જાણ થતાં તેને અટકાવવા માટે તેઓશ્રીએ ખૂબ મહેનત કરી હતી. મુંબઇથી પ્રતિનિધિને મોકલી ધરમપુરના લોકોને સમજાવી આ વધ બંધ કરાવ્યો હતો.
ધરમપુરના નિવાસ દરયિમાન પણ અવધૂત યોગી જેવા શ્રીમદ્ રાજચંદ્રજી નિષ્કામ, પરિગ્રહ રહિત જીવન જીવતા હતા. તેઓશ્રી સ્મશાનભૂમિમાં ઘ્યાન અર્થે પધારતા હતા. તે સમયે આ ભૂમિમાં ડાઘુઓ માટે વિશ્રામસ્થાન અને નાનો બગીચો બનાવવામાં આવી રહ્યો હતો. ત્યાં લેખ લખવા બાબત તેઓશ્રીની સલાહ માંગતા ભાવના સિઘ્ધ સુત્ર આલેખવાનું સૂચન કર્યુ હતુ. આ સૂત્ર વાંચતા જીવ વિચારે કે મનુષ્ય જેવી ભાવનાથી જીવન જીવ્યા હશે તેવી સિઘ્ધી પાહશે. આમ વૈરાગ્યવર્ધક વચન વાંચી જીવ જાગૃત થાય.
વર્તમાનકાળમા આ પવિત્ર ભૂમિ મહાતીર્થધામરુપે વિકાસ પામી રહી છે. શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ભકત પૂજય ગુરુદેવશ્રી રાકેશભાઇ ઝવેરી જેવા મહા સમર્થ સદુગુરુના અમૂલ્ય માર્ગદર્શન હેઠળ આ પાવન તીર્થભૂમિ પર શિખરબંધ જિનમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની ૩૪ ફુટ ઊંચી પ્રતિમાજીનું જલમંદીરમાં સ્થાપન કરવામાં આવનાર છે. આ ઉપરાંત પર્યાવરણને નુકશાન પહેચાડવા વિના રહેણાંક માટે નિવાસસ્થાન બનાવવામાં આવી રહ્યા છે. વળી વિશાળ સ્વાઘ્યાય હોલ, પુસ્તકાલય, ઘ્યાનકુટિર આદિનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
અહીં આપણે શ્રીમદ્ રાજચંદ્રજીએ લખેલ અમૃત પત્ર ૧૨૮નીયાદ આવી જાય છે.
‘ તેવું સ્થાન કયાં છે જયાં જઇને રહીએ ?’
આ અભીપ્સા લક્ષ્યમાં રાખીને પૂજય ગુરુદેવશ્રીની અસીમ કૃપા થકી મુમુક્ષુઓના આત્મદર્શનના ભાવો વર્ધમાન થતાં રહે અને સતત જાગૃતિપૂર્વક વૈરાગ્યના ભાવો વધતા રહે તેવા પવિત્ર તીર્થધામરુપે ધરમપુર આશ્રમને વિકસાવવામાં આવી રહ્યું છે. આ મહાપુરુષોના આગમન થકી ધરમના પૂર આવ્યા જ કરે છે. મહાપુરુષોના પાવન ચરણોની રજથી આ ભૂમિ સતત પવિત્ર થતી જ રહે છે. ધન્ય છે આ ભૂમિને! જે શ્રીમદ્ રાજચંદ્રજી તથા પૂજય ગુરુદેવશ્રી જેવા સંતાની પવિત્ર ઉ૫સ્થિતિને પરિણામે તીર્થસ્વરુપ બની ચૂકી છે !