અલગ-અલગ ભૂકંપના આંચકાની તીવ્રતા ૧.૫ થી ૩.૪ સુધીની નોંધાઇ
ગુજરાત પર હાલ જાણે એક પછી એક સંકટ આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર રાજ્યમાં દેખાઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા થોડા દિવસથી જામનગર સહિત કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાયાં છે. ગઇકાલે કચ્છમાં મોડી રાત્રે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે જામનગરમાં મોડી રાત્રે ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયાં છે.જામનગર પંથકમાં ફરી ધરા ધ્રુજી છે. ગઇકાલે મોડી રાત્રે માત્ર આઠ મીનિટમાં ત્રણ આંચકા અનુભવાયાં છે. પંથકમાં રાત્રે ૧૨-૪૦થી ૧૨-૪૮ વચ્ચેના સમયગાળામાં ૧.૮, ૧.૬ અને ૨.૧ની તીવ્રતાના આંચકા અનુભવાયાં છે.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર મોડી રાતે ૧૨:૪૦ વાગ્યે ૧.૮ રિકટર સ્કેલનો આંચકો જામનગરના લાલપુરથી ૨૮ કિમી દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે ત્યારબાદ ૧૨:૪૫ વાગ્યે ૧.૬ રિકટર સ્કેલનો આંચકો લાલપુરથી ૨૫ કિમી દૂર ઇસ્ટ સાઉથ ઇસ્ટ ખાતે અને તેની ૩ મિનિટ જ બાદ ૧૨:૪૮ વાગ્યે ૨.૧ રિકટર સ્કેલનો આંચકો લાલપુરથી ૨૨ કિમી દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો.
ત્યારબાદ કરછના પણ જુદા જુદા તાલુકામાં આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. રાતે ૧:૪૫ વાગ્યે રાપર કરછથી ૧૮ કિમી દૂર ૧.૫ રિકટર સ્કેલનો આંચકો ત્યારબાદ રાપરથી ૨૦ કિમી દૂર ૧.૬ રિકટર સ્કેલનો આંચકો વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો અને છેલ્લો આંચકો રાતના ૩:૨૨ કલાકે કરછના ખાવડાથી ૧૮ કિમી દૂર વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે ૩.૪ રિકટર સ્કેલની તીવ્રતા નોંધાઇ હતી.