સૌરાષ્ટ્ર-કચ્છમાં એકબાજુ કોરોના, મ્યુકરમાઈકોસીસની મહામારીની સાથો સાથ અસહ્ય ગરમીની વચ્ચે ભૂકંપના આંચકાનું પ્રમાણ પણ યથાવત જોવા મળ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કચ્છના દૂધઈ, રાપર અને ફતેહગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઈ લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો છે.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે ૫:૦૭ વાગ્યે કચ્છના દૂધઈથી ૨૭ કિ.મી. દૂર ૨.૩ની તિવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ-નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ મોડી રાત્રે ૧૧:૦૩ કલાકે કચ્છના ફતેહગઢથી ૧૭ કિ.મી. દૂર ૧.૩ની તિવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ-સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું અને આજે સવારે ૯:૨૮ વાગ્યે કચ્છના રાપરથી ૧૩ કિ.મી. દૂર ૧.૬ની તિવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ-નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું.
વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ આંચકા સામાન્ય હોય લોકોને ગભરાવાની જરૂર નથી. છેલ્લા ૨૪ કલાકમાં કચ્છમાં આવેલા ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.