- રાપરમાં 1.1ના બે આંચકા જયારે વલસાડમાં 1.6નો ભૂકંપ અનુભવાયો
એકબાજુ રાજ્યભરમાં મિશ્રઋતુ અને હવે બીજીબાજુ ભૂકંપના આંચકાનું પ્રમાણ પણ યથાવત જોવા મળી રહ્યું છે. ફેબ્રુઆરી માસમાં કચ્છ જિલ્લામાં 20થી વધુ ભૂકંપના આંચકા આવ્યા છે. ગઈકાલે રાતે કચ્છના રાપરમાં બે જયારે વલસાડમાં ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે રાતે 9:39 કલાકે કચ્છના રાપરથી 6 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું ઇસ્ટ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ મોડી રાતે 1:18 કલાકે કચ્છના રાપરથી 23 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું અને આજે વહેલી સવારે 6:58 કલાકે નોર્થ ગુજરાતના વલસાડથી 22 કિમી દૂર 1.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.
વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જો કે આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવાની જરૂર નથી તેમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.
કચ્છમાં ચાલુ માસ દરમિયાન 20થી વધુ નાના મોટા આંચકા અનુભવાયા છે. સૌથી વધુ ભચાઉ અને રાપરમાં આંચકા આવ્યા છે.