આજે ઉપલેટા, ગોંડલ, ખીરસરા, જેતપુરમાં ઉદઘાટન: કાલે જસદણ, કોટડાસાંગાણી ખાતે કાર્યક્રમ યોજાશે
‘ધનવંતરી રથ’ ગામડે-ગામડે ફરી શરદી, ઉધરસના લક્ષણો ધરાવતા લોકોની સારવાર કરશે
તાજેતરમાં રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસો નોંધાયેલ છે. આ રોગ અટકાયત માટે જિલ્લા આરોગ્ય તંત્ર અને વહિવટી તંત્ર સતત કામગીરી આયોજન અને અમલવારી કરી રહેલ છે. આ રોગ અટકાયતી કામગીરીમાં એલોપેથીક સહિત આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર પણ અસરકારક રીતે કામ કરે છે. તેથી રાજય સરકારે ‘ધનવંતરી રથ’ દ્વારા દરેક રાષ્ટ્રીય બાલસખા કાર્યક્રમની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં ગામડે-ગામડે કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયેલ છે તેવા વિસ્તારોમાં ફરશે. તાવ, શરદી, ઉધરસના લક્ષણો ધરાવતા લોકોને આયુર્વેદિક / હોમિયોપેથિક સારવાર આપશે. રાજકોટ જિલ્લામાં વિવિધ તાલુકાકક્ષાએ પદાધિકારીઓ મારફતે ધનવંતરી રથનું ઉદઘાટન કરી લીલી ઝંડી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
જેમાં આજે ઉપલેટા સરકારી હોસ્પિટલમાં સાંસદ રમેશભાઈ ધડુકના અધ્યક્ષ સ્થાને, ગોંડલમાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને, ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના અધ્યક્ષ સ્થાને, જેતલસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સમિતિ ચેરમેન હંસાબેન વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને તેમજ જેતપુરના મંડલીકપુર ગામે કિશોરભાઈ પાદરીયાના અધ્યક્ષ સ્થાને ઉદઘાટન કાર્યક્રમ યોજાશે. આવતીકાલે તા.૩/૭નાં રોજ જસદણ સરકારી હોસ્પિટલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા કોટડાસાંગાણી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અલ્પાબેન ખાટરીયા દ્વારા ધનવંતરી રથને સવારે ૧૦:૦૦ વાગ્યે લીલીઝંડી અપાશે. આ ધનવંતરી રથ ગામડે-ગામડે ફરી તાવ, શરદી, ઉધરસનાં લક્ષણો ધરાવતા લોકોને આયુર્વેદિક / હોમિયોપેથિક સારવાર આપશે.