દો દિન કા સુલતાન
26મીએ નિમણુંક પામનાર આર ડી ધનુકા 30મીએ નિવૃત પણ થઇ જશે!!
કેન્દ્ર સરકારે શુક્રવારે એટલે કે 26 મે 2023 ના રોજ બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ આરડી ધાનુકાની નિમણૂકને મંજૂરી આપી છે પણ ધનુકા આગામી 30મી મેના રોજ નિવૃત પણ થઇ જશે એટલે કે તેઓ ફકત 4 દિવસ માટે જ તેઓ ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળશે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને કેએમ જોસેફની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 19 એપ્રિલ, 2023ના રોજ બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે આરડી ધાનુકાની ભલામણ કરી હતી. ત્યારબાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા તેને મંજૂરી મળી ગઈ છે. જસ્ટિસ ધાનુકા 30 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે, તેથી તેમનો મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ માત્ર ચાર દિવસનો રહેશે.
કેન્દ્રીય કાયદા મંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી નિમણૂક વિશે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
વર્ષ 1961 માં જન્મેલા જસ્ટિસ ધાનુકાએ તેમનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું છે. કાયદાનો અભ્યાસ કર્યા પછી તેમના પિતા નિવૃત્ત જસ્ટિસ ડીઆર ધાનુકાની ચેમ્બરમાં હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. તેઓ ઘણા વર્ષો સુધી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની વરિષ્ઠ વકીલ પેનલમાં હતા. તેમની 23 જાન્યુઆરી 2012ના રોજ બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.