વોર્ડ નં.૧૪માં રૂ.૫૦ લાખનાં ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવાશે: વોર્ડ નં.૪, ૫, ૮ અને ૧૦માં ડ્રેનેજ ફરિયાદનાં નિકાલનો કોન્ટ્રાકટ અપાયો
ધનતેરસનાં પાવન દિવસે જ શહેરનાં વિકાસ કામો માટે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ આજે વરસ્યા હતા. આજે બપોરે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૧૬ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી અને રૂ.૯.૮૪ કરોડનાં વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા છે.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.૩માં રાધિકા રેસીડેન્સીને લાગુ ૯ મીટરનાં ટીપી રોડ પર મેટલીંગ કરવા રૂ.૧૨.૦૭ લાખ, મેરીગોલ્ડ હાઈટસ પાસે મેટલીંગ માટે રૂ.૩૯.૭૦ લાખ, વોર્ડ નં.૪ અને ૫માં ડ્રેનેજની ફરિયાદનો નિકાલ કરવા માટેનો કોન્ટ્રાકટ આપવા રૂ.૨૦.૪૧ લાખ, વોર્ડ નં.૮ અને ૧૧માં ડ્રેનેજની ફરિયાદનો નિકાલનો કોન્ટ્રાકટ આપવા રૂ.૧૫.૭૬ લાખ, પ્રદ્યુમન પાર્ક ઝુમાં જળબિલાડી માટે પાંજરુ બનાવવા રૂ.૪૨.૪૪ લાખ, કોઠારીયાનું નવું સેમીકલોઝ ટાઈપ રીફયુઝ ટ્રાન્સફર સ્ટેશન બનાવવા રૂ.૮.૪૬ કરોડ અને વોર્ડ નં.૧૪માં કોઠારીયા રોડ પર નવી વોર્ડ ઓફિસ બનાવવા રૂ.૪૯.૯૯ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ તમામ ૧૬ દરખાસ્તને બહાલી અપાઈ છે.