- પગાર અને બોનસની વહેલી ચુકવણીના કારણે લોકોમાં તહેવારોનો અનેરો ઉમંગ: ધનતેરસના શુકનવંતા દિવસે બજારોમાં ખરીદી માટેની ભીડ
આજે ધનતેરસના શુકનવંતા દિવસ સાથે હિન્દુ પંચાગના સૌથી મોટા તહેવાર દિવાળીના તહેવારનો મંગલારંભ થઈ ચૂકયો છે. ધનતેરસે સાવરણીથી લઈ સોનાની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પગાર અને બોનસની વહેલી ચૂકવણીનાં કારણે લોકોમાં ઉત્સવની ઉજવણીનો ઉત્સાહ બેવડાય ગયો છે. સોના-ચાંદીના ભાવ હાલ આસમાને હોવાના કારણે સોની બજારોમાં ટ્રાફિક ચોકકસ દેખાય રહ્યું છે. પરંતુ લોકો માત્ર શુકન સાચવવા પુરતી જ ખરીદી કરી રહ્યા છે.
વર્ષ દરમિયાન છ વણ જોયા મુહુર્ત આવે છે તેમાં એક ધન તેરસનો પણ સમાવેશ થાય છે. આજે મંગળવારે સવારે 10.32 કલાકથી ધનતેરસનો ભાગ બેસી જાય છે. આ દિવસે સોનું-ચાંદી નવી મિલકત, વાહન, કપડાની ખરીદી, ગૃહ પ્રવેશ માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આજના દિવસે સાવરણી ખરીદવાનું મહાત્મય સવિશેષ રહેલું છે. આજે લક્ષ્મીજીનું પૂજનનું પણ વિશેષ મહત્વ છે. આજનો દિવસ આરોગ્યનો દિવસ હોય છે. ધન્વંતરીની પુજા કરવામાં આવતી હોય છે. આજે સવારથી બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષ દિવાળીના તહેવાર ઓકટોબર માસના અંતિમ દિવસોમાં આવી રહ્યા હોવાના કારણે લોકો સારી રીતે તહેવારોની ઉજવણી પરિવાર સાથે કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓને પગાર અને નિવૃત કર્મચારીઓને પેન્શનની ચૂકવણી વહેલી કરી દેવામાં આવી છે. ખાનગી કંપની અને વ્યાપારી પેઢીઓ દ્વારા પણ પગાર અને બોનસની વહેલી ચૂકવણી કરી દેવામાં આવી હોવાના કારણે બજારમાં ખરીદીની અનેરી રોનક જોવા મળી રહી છે.
સોનું-ચાંદી નવા કપડા નવા વાહનો, ઈલેકટ્રોનીક ઉપકરણો, મીઠાઈ, નવી મિલકત, દિવાળીના તહેવાર માટે ઘર સજાવટની વિવિધ સામગ્રીઓ સહિતની ખરીદી માટે લોકો ઉત્સાહભેર બજારોમાં ઉમટી પડયા છે. આજે સોના અને ચાંદીની ખરીદીને ખૂબજ શુભ માનવામાં આવે છે. હાલ બંને કિમંતી ધાતુઓનાં ભાવ આસમાને હોવાના કારણે ઓછા વજન વાળા દાગીનાની ખરીદીનો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
આજથી પાંચ દિવસીય દિપોત્સવી પર્વનો મંગલારંભ થઈ ચૂકયો છે. લોકો સંપૂર્ણ પણે ફેસ્ટીવલ મૂડમાં આવી ગયા છે. કારખાનાઓમાં તો દિવાળીની રજાઓ પણ જાહેર કરી દેવામાં આવી છે. દિવાળીના તહેવારોમાં અંતિમ દિવસોમાં ખરીદી માટે લોકો ઉમટતા વેપારીઓમાં પણ ભારે રાજીપો જોવા મળી રહ્યો છે. ચોતરફ માત્ર ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓનલાઈન ખરીદીમાં પણ સારો એવો ચાર્મ જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં ધનતેરસે અમંગળ સેન્સેકસ અને નિફટીમાં કડાકા
આજે ધનતેરસના શુભદિને રોકાણકારો પર ધન વર્ષા થવા પામી નહતી શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો ગઈકાલે સેન્સેકસ અને નિફટીમાં ઘટાડો રહ્યો હતો. રોકાણકારોમાં નિરાશા વ્યાપી જવા પામી હતી. વિદેશી રોકાણકારો દ્વારા છેલ્લા ઘણા સમયથી એકધારી વેચવાલી કરવામાં આવી રહ્યા હોવાના કારણે ભારતીય શેરબજારમાં મહામંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ધનતેરસનો દિવસ રોકાણકારો માટે અમંગળ રહ્યો હતો. ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી પટકાયા હતા સેન્સેકસે
આજે ફરી 80 હજારની સપાટી તોડી હતી નિફટીમાં પણ કડાકા બોલી ગયા હતા આજે સેન્સેકસ 79559.65ના નીચલા લેવલે સરકી ગયો હતો. ઉપલી સપાટી 80104.59 રહેવા પામી હતી. જયારે નિફટી 24189.90ના લેવલે સરકી ગઈ હતી. આ લખાય રહ્યું છે. ત્યારે સેન્સેકસ 392 પોઈન્ટના ઘટાડા સાથે 79585 પોઈન્ટ પર અને નિફટી 155 પોઈન્ટના ઘટાડા સાથે 24182 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે.