ગુજરાત સાથે હિમાચલ પ્રદેશની પણ ચૂંટણીની તારીખો જાહેર કરાશે

ગુજરાત વિધાનસભાની વર્તમાન બોડીની મુદત આગામી જાન્યુઆરી માસમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે આગામી ૧૭મી ઓકટોબરના રોજ મતદાનની તારીખ જાહેર થાય તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. બે તબકકામાં ૩ અને ૧૦ ડિસેમ્બરના રોજ મતદાન થશે. ગુજરાત સાથે હિમાચલ પ્રદેશની પણ સામાન્ય ચુંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. રાજય ચુંટણીપંચ દ્વારા તડામાર તૈયારીઓ શ‚ કરી દેવામાં આવી છે તો બીજી તરફ વહિવટી માળખામાં પણ ફેરફાર થઈ રહ્યા છે. ગઈકાલે અનેક આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં આઈએએસની બદલીનો પણ ધાણો નિકળે તેવી શકયતા જણાઈ રહી છે.

વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા આગામી ૧૭મી ઓકટોબરના રોજ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની સામાન્ય ચુંટણી માટે મતદાનની તારીખનું એલાન કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે બે ચરણોમાં મતદાન યોજાશે. જેમાં પ્રથમ ચરણ માટે ૩ ડિસેમ્બર અને બીજા ચરણ માટે ૧૦ ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાની સંભાવના જણાઈ રહી છે. જયારે ૧૨ કે ૧૩ ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. હિમાચલ પ્રદેશ માટે એક જ તબકકામાં ચુંટણી યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લી ૩ ચુંટણીથી ચુંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે અલગ-અલગ બે ચરણોમાં મતદાન યોજવામાં આવે છે. છેલ્લા ૨૨ વર્ષથી રાજયમાં સતા પર રહેલી ભારતીય જનતા પાર્ટી સામે આ વખતે અનેક પડકારો છે. ગુજરાતમાં કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે તેવા પ્રચાર સાથે કોંગ્રેસે પણ ગંભીરતાથી ચુંટણી પ્રચાર શ‚ કરી દીધો છે ત્યારે ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણી ભારે રોમાચક રહે તેવી સંભાવના જણાઈ રહી છે. વિધાનસભાની ચુંટણીની આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે રાજય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા લોકાર્પણ અને ખાતમુહુર્તનો ધમધમાટ શ‚ કરી દેવામાં આવ્યો છે. ચુંટણીની આચારસંહિતા પૂર્વે સરકારી તંત્ર સજ્જ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આગામી ૬ અને ૭ ઓકટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દિવાળીના તહેવાર પૂર્વે જ રાજયમાં ચુંટણીની આદર્શ આચારસંહિતા લાગુ પડવાની સંભાવના જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.