સાત વર્ષથી વધુ સમય ચેરમેન પદે સત્તારૂઢ રહ્યા: રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને સાત વર્ષમાં આપી રૂા.52,857.92 કરોડની ગ્રાન્ટ

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન પદે સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ રાજકોટના પૂર્વ મેયર ધનસુખભાઇ ભંડેરીએ બનાવ્યો છે. સાત વર્ષથી વધુ સમય તેઓ ચેરમેન પદે સત્તારૂઢ રહ્યા હતાં. આ દરમિયાન તેઓએ મહાપાલિકા અને નગરપાલિકાઓને વિકાસ કામો માટે રૂા.52857.92 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે.

ગઇકાલે ધનસુખભાઇ ભંડેરીએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું. ફાઇનાન્સ બોર્ડના 49માં ચેરમેન તરીકે તા.1/1/2015ના રોજ તેઓની નિયુક્તિ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. તા.31/12/2017ના રોજ તેઓની ચેરમેન તરીકે 3 વર્ષની ટર્મ પૂરી થતાં ફરી તેઓને રિપીટ કરવામાં આવ્યા હતાં. ફાઇનાન્સ બોર્ડના 50માં ચેરમેન તરીકે તેઓએ તા.1/1/2018 કાર્યભાર સંભાળ્યો હતો અને ગઇકાલ અર્થાત્ તા.20/1/2022 સુધી ચેરમેન તરીકે સત્તારૂઢ રહ્યા હતા. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન પદે સૌથી વધુ 7 વર્ષ અને 20 દિવસ રહેવાનો તેઓએ રેકોર્ડ પ્રસ્થાપિત કરી દીધો છે. આ પૂર્વેે બોર્ડના 48 પૈકી એકપણ ચેરમેને આટલો કાર્યકાળ ભોગવ્યો નથી.

તેઓએ સૌથી સમય બોર્ડના ચેરમેન તરીકે રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે સાથોસાથ આ પદને પણ વધુ ઉજળું બનાવી દીધું છે. તેઓએ 7 વર્ષના સમયગાળામાં મહાપાલિકા અને નગરપાલિકાઓનું વિકાસ કામો માટે રૂા.52,857.92 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. વર્ષ-2015માં તેઓના કાર્યકાળમાં રૂા.8186.71 કરોડ, વર્ષ-2016માં રૂા.6385.80 કરોડ, વર્ષ-2017માં રૂા.7450.02 કરોડ, વર્ષ-2018માં રૂા.7432 કરોડ, વર્ષ 2019માં રૂા.9130.61 કરોડ, વર્ષ-2020માં રૂા.6533.36 કરોડ અને ગત વર્ષે અર્થાત વર્ષ-2021 રૂા.7739.12 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.