‘“તો બૂન, તમારા ધણી પરદેહ સે ને તમે એકલાં જ ર્યો સો?” નવી આવેલી કામવાળી અભિપ્સાને પૂછી બેઠી.
“હા જમની, એ કાયમને માટે પરદેશ જ રહેવાનો.” અભિપ્સાએ મરકીને પ્રત્યુત્તર વાળ્યો.
“કાં?’
“જમની, તું સ્ત્રી છે, એટલે બીજી સ્ત્રીની લાગણી સમજી શકે.”
થોડીવાર કોઈ કાંઈ ન બોલ્યું. જમની અભિપ્સા તરફ એકીટો નીરખી રહી. …. કોઇ સ્ત્રીને એનો પતિ તિરસ્કારે, પરતંત્ર રાખવા મથે કે માલિક થઇ ને બેસી જાય તો એનો ઉપાય શું હોઇ
શકે તું જ કહે જમની?” “અરે બુન, હું તો નાનું માન્નહ, તમ જેવા ભણેલ- ગણેલને
બીજું હું કહું?!’’
‘‘તું મારી જગ્યા હોય તું શું કરે?’’
“બુન, સ…ટા…સે… ડા !”
“હું.. એના સિવાય કોઇ વિકલ્પ જ નથી…. મારો પતિ મને ન તો કલબમાં જુગાર રમવા જવા દેતો, ન તો કોઇ બારમાં જઇને દારૂ પીવા દેતો … બસ, સાલ્લો મને તો સાવ પોતાની ગુલામડી જ સમજી બેઠો હતો. ”
જમની અભિપ્સાને પહોળી આંખે જોતાં બોલી,
“એ મારી બુન, તમે હું વાત કરો સો ? મારો ધણી જુગાર રમતો ને દારૂ પીતો એટલે તો મેં એની હારે સુટાસેડા લીધા ને તમે…”
અભિપ્સાએ ઝટપટ ઘરમાં જઇ ટી.વી. ચાલુ કર્યું ને સિગારેટના ધૂમાડાથી આખા ઘરને છલોછલ ભરી દીધું.
નીલેશ પંડ્યા લિખિત લઘુકથા
સંગ્રહ ‘જૂઈના ફૂલ’માંથી સાભાર