વાડીમાં શ્રમિક દ્વારા બળાત્કાર ગુજારતા પુત્રીએ આપઘાત કર્યાનો પરિવારજનોએ કર્યો આક્ષેપ
ધાંગધ્રા તાલુકાના માલવણ ગામે યુવતીએ સોમવારે ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીએ સારવારમાં દમ તોડયો હતો. તો બીજી તરફ વાડીમાં સાથે કામ કરતા શ્રમિક દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાથી પુત્રીએ આપઘાત કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કરતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે રહેતા અને ધાંગધ્રા તાલુકાના માલવણ ગામે ખેત મજૂરી કરવા જતાં પરિવારની પુત્રીએ સોમવારે કપાસમાં છાંટવાની દવા પી જતા તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ લાંબી સારવાર બાદ ગઇ કાલે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ અંગે પોલીસને જાણ થતા ધાંગધ્રા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતક યુવતી પર સોમવારના રોજ વાડીમાં કામ કરતા શ્રમિક દ્વારા બળાત્કાર ગુજારતા પુત્રીએ આપઘાત કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કરતા પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.