સામસામે પાઇપ, ધોકા અને લાકડા વડે હુમલો કરતા ત્રણ મહિલા સહિત છ ઘાયલ: 15 સામે નોંધાતો ગુનો
ધાંગધ્રા તાલુકાના બાવડી ગામે ગઇ કાલે આડા સબંધના કારણે બે પરિવાર વચ્ચે ધિંગાણું ખેલાયું હતું. જેમાં ત્રણ મહિલા સહિત છ લોકો ઘવાતાં તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ચાર મહિલા સહિત 15 શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાવડી ગામે રહેતા અને મજૂરી કામ કરતા પૂજાબેન કનુભાઈ નંદેસરિયા નામના 21 વર્ષીય યુવતીએ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તેના ભાઈ ચમન અગાઉ ગામના અશ્વિનભાઈ બોરણીયાની પત્ની પાયલને ભગાડી જઇ લગ્ન કરીને સાથે રહેતા હોય તે બાબતનો ખાર રાખી સામેવાળા પરિવારજનોને હેરાનગતિ કરતા હતા.
તે દરમિયાન ગત તા.26મી નવેમ્બરના રોજ ફરિયાદીના ભાઈ વિપુલભાઈને સામેવાળા મીનાબેન વાસુદેવ બોરણીયા, વિષ્ણુ વાસુદેવ બોરણીયા, વાસુદેવ ઉર્ફે ઘોઘા ગોરધન બોરણીયા, અશ્વિન પ્રભુ બોરણીયા, જીગ્નેશ પ્રભુ બોરણીયા, લાલજી જસા બોરણીયા, લાલજી કરસન બોરણીયા, શૈલેષ જશા બોરણીયા અને પ્રેમજી દેવજી બોરણીયાએ પાઇપ, ધોકા જેવા હથિયાર વડે એક સંપ કરી હુમલો કર્યો હતો. જેમાં છોડાવવા જતા કનુભાઈ નંદેસરિયા, માયાબેન ચમનભાઈ, વિપુલભાઈ અને પૂજાબેનને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે પોલીસે એક મહિલા સહિત નવ શખ્સો સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
તો સામા પક્ષે બાવડી ગામના મીનાબેન વાસુદેવભાઈ બોરણીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના જેઠ અશ્વિનભાઈના પત્ની પાયલબેનને ચમનભાઈ ભગાડી ગયા હોય જે ત્યાર બાદ બે દિવસ પહેલા પણ સામેવાળા વિપુલ તેમની પુત્રીને ગંદા ઈશારા કરતો હોય જે બાબતે ઠપકો આપતાં તેનો ખાર રાખી ફરિયાદી મીનાબેન બસ સ્ટેન્ડ પાસે હતા ત્યારે સામેવાળા પાયલ ચમન નંદેસરીયા, કના પ્રભુ નંદેસરીયા, ચમન કના નંદેસરીયા, માયાબેન કના નંદેસરીયા, પૂજા કના નંદેસરીયા અને વિપુલ કના નંદેસરીયાએ પાઇપ અને ધોકા વડે ફરિયાદીને માર મારતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે પોલીસને જાણ થતાં ધાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ બી.કે. મારૂડા સહિતનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે સામસામે ચાર મહિલા સહિત 15 શખ્સો સામે હત્યાની કોશિશ અને મારામારીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.