ટોળાએ તલવાર અને પાઇપ વડે હુમલો કરતા એક યુવાન ગંભીર: તેર શખ્સો સામે નોંધાતો ગુનો: પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર: પોલીસના ધામા ખડકી દેવાયા
ઝાલાવાડ પંથકમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે. જેમાં ધાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મં દુ:ખમાં એક યુવાનની લોથ ઢળી છે. જ્યારે અન્ય એક યુવાનની હાલત ગંભીર જણાતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે પરિવારજનોએ ઘટના અંગે જ્યાં સુધી આરોપી નહિ ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધાંગધ્રા તાલુકાના દેવચરાડી ગામે ગ્રામ પંચાયત ચૂંટણી સમયથી ચાલતી અદાવતમાં અગાઉ એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જેના મનદુ:ખનાં આધારે ગઇ કાલે સાંજે 13 શખ્સોના ટોળાએ મહિલા સરપંચના પરિવાર પર તલવાર અને પાઇપ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં મહિલા સરપંચના સબંધી સુરેશ ઉર્ફે જગદીશ અરજણભાઇ પરમાર નામના 38 વર્ષના યુવાનની લોથ ઢડી હતી. જ્યારે મનીષ રમેશભાઈ રાઠોડ નામના 27 વર્ષના યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટના અંગે જાણ થતાં ધાંગધ્રા પોલીસ મથકનો મોટો કાફલો દેવચરાડી ગામે ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી 13 શખ્સો સામે રાયોટ, હત્યા અને હત્યાની કોષિષનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ મૃતક સુરેશ ઉર્ફે જગદીશ પરમારના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીને ઝડપી પાડવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
યુવાનની હત્યાના પગલે ધાંગધ્રા ગામ શોકમય બંધ
ગઇ કાલે સાંજના સમયે ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે ટોળાએ કરેલા હુમલામાં સુરેશ ઉર્ફે જગદીશ પરમાર નામના યુવાનની લોથ ઢળી હતી. જેના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ધાંગધ્રા પંથકમાં હાલ અગનજ્વાળા જેવી સ્થિતિ સર્જાઈ છે. હત્યાની ઘટનાના પગલે ધાંગધ્રાના વેપારીઓએ પોલીસ વિરુદ્વ રોષ ઠાલવ્યો હતો અને બજારો બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓના જણાવ્યા મુજબ અગાઉ પોલીસ મથકમાં ઘણી વખત અરજીઓ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા એક યુવાનનો ભોગ લેવાયો હતો. જેથી ગામના વેપારીઓએ વેપાર – ધંધો બંધ રાખી પોલીસની કાર્યવાહી સામે રોષ ઠાલવ્યો હતો. તો બીજી તરફ પંથકમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ખડકી દેવામાં આવ્યા છે.