ધંધુકા પંથકમાં થયેલી ભરવાડ યુવાનની હત્યાનો મુખ્ય સૂત્રધાર અમદાવાદના મૌલવીને પોલીસે ઝડપી પાડ્યો છે. તો હત્યા કરનાર બંને આરોપીના તા.૫ ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ધંધૂકાના કિશન ભરવાડની હત્યા કરવાનું કાવતરું ઘડનારો મૌલવી ઝડપાઈ ગયો છે. ધંધૂકા પોલીસે મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. આ પહેલાં પોલીસે કિશન પર ફાયરિંગ કરનારા બે આરોપીની ધરપકડ કરી હતી. તો ઘટનાનું કાવતરું રચનાર સાથે હથિયાર પણ પૂરું પાડનાર મૌલવીને પોલીસે દબોચી લીધો છે.
પોલીસ અધિકારી મુજબ, મૌલવીએ હત્યારાઓને આર્થિક મદદ કરી હોવાની સાથે અન્ય મદદ પણ કરી હતી. યુવકની હત્યા માટે પ્રી-પ્લાન હતી તેમજ સબીર ઉર્ફે સાબા દાદા ચોપડા અને ઈમ્તિયાઝ ઉર્ફે ઇમતું મહેબૂબ પઠાણ હત્યારાને મદદ કરવા માટે આગોતરું આયોજન હતું અને મૃતક યુવકની ટિપ પણ આપી હતી. આરોપીની પૂછપરછમાં બે મૌલવીની વાત સામે આવી છે, પણ હજી ચોક્કસ નામ બહાર આવ્યા બાદ પોલીસ નામની જાહેરાત કરશે. હવે આ કેસમાં વધુ ચોંકાવનારી વિગત સામે આવે એવી શક્યતા છે.
આ હત્યા અંગે ધંધૂકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને શોધવા જિલ્લા પોલીસવડા અને ડી.વાય.એસ.પી દ્વારા જુદી જુદી સાત ટીમ બનાવી હત્યારાઓને શોધવા ચારેતરફ પોલીસની ટીમ રવાના કરી દેવામાં આવી હતી. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મૃતકની ૨૦ દિવસની પુત્રીને ન્યાય અપાવવાની ગૃહમંત્રી સંઘવીની ખાતરી
ધંધુકામાં ભરવાડ યુવાનનું મુસ્લિમ શખ્સોએ કાવતરું રચી હત્યાને ઘાટ ઉતારતા તેના ઘેરા પડઘા પડ્યા છે જેના પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવી ખુદ કિશન ભરવાડના વતન શોક સભામાં દોડી ગયા હતા. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ યુવાનોની અંદર કટ્ટરપંથીપણાનું ઝેર ભરનારા મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ છે. એક રિવોલ્વર અને પાંચ કારતૂસ આ મૌલવીએ યુવાનોને આપ્યાં અને આ રિવોલ્વર વડે કિશનની હત્યા કરવામાં આવી હતી.
ત્યારે કિશન ભરવાડની શોક સભામાં ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. જ્યાં મૃતકની માત્ર ૨૦ દિવસની પુત્રીને ગૃહમંત્રીએ પિતાના હત્યાના બનાવમાં ન્યાય આપવાની ખાતરી આપી હતી. ત્યારે મીડિયાને સંબોધન આપતા કહ્યું હતું કે મૌલાવીએ જ આ હત્યા કરાવી હોવાની અંશ તેણે જ હત્યારાઓને ઉશ્કેરી તેમને હથિયાર પૂરું પાડ્યું હોવાનું જણાવ્યું છે. આ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી ખુદ કેસમાં ઊંડાણ પૂર્વક તપાસમાં ઝંપલાવશે તેવી ખાતરી આપી હતી.