- યુગો પુરાણી વિપશ્યના સાધનાનું રાજકોટનું કેન્દ્ર ધમ્મકોટ હવે જામનગર હાઇવે પર સાકાર થયું
- ધમ્મહોલ, 1ર0 આર્ટિફીશિયલ ગુફાઓ, શિબિરાર્થી નિવાસ, હજારો વૃક્ષોનું વન, તળાવ સહિત અત્યાધુનિક સુવિધા
ભારત આઘ્યાત્મિકતાનો દેશ છે, સંસ્કૃતિ અને સંસ્કારનો દેશ છે. અહીં ભોગવાદ પહેલા ત્યાગવાદની વાત કરવામાં આવે છે. કોઇપણ ધર્મનો માણસ હોય એણે પોતાના ધર્મમાંથી માનવતા, પરોપકાર, જીવદયા, સેવા જેવા સદગુણો મળ્યા જ હોય છે.
ભારતની આઘ્યાત્મિક પરંપરામાં મનની શાંતિને મુખ્ય ગણાવાઇ છે. જેનું મન શાંતએ જગતને જીતી શકે જેનું મન સ્થિર એ રોગમુકત રહીને લાંબુ આયુષ્ય ભોગવી શકે એવું હવે આધુનિક તબીબી વિજ્ઞાન સ્વીકારવા લાગ્યું છે ત્યારે ભારતીય પ્રાચીન પરંપરાની, વેદકાળની એક સાધના પઘ્ધતિ એટલે વિપશ્યના વર્ષો પહેલા આડે હાથે મુકાઇ ગયેલી વિપશ્યના છેલ્લા પાંચેક દાયકાથી આપણને ફરી પાછી હાથ લાગી છે ત્યારે વિશ્ર્વના 100 થી વધુ દેશોમાં તેનો વાયુવેગે પ્રચાર થઇ રહ્યો છે.
રાજકોટમાં સને 1997માં કોઠારીયા ખોખડદડ રોડ પર ધમ્મકોટ શરૂ થયું ને આટલા વર્ષ ચાલ્યું પણ હવે ત્યાં ઉઘોગો વધતાં અને જગ્યા નાની પડતાં રાજકોટથી પડધરી જતાં હનુમાનધારા માર્ગ પર રંગપર ગામ નજીક ર1 એકર જમીન પર શાંતિ અને પરમસુખનું નવું સરનામું એટલે કે વિપશ્યના સાધનાનું કેન્દ્ર ‘ધમ્મકોટ’ સાકાર થયું છે. ‘અબતકે’ નવા ધમ્મકોટની મુલાકાત લીધી, જેના અંશો અહીં પ્રસ્તુત કર્યા છે.
વિપશ્યના મનની કસરત છે, દુ:ખમુકત કરે છે, માનવથી માનવને જોડે છે: રાજુભાઇ મહેતા
છેલ્લા 3પ વર્ષથી વિ5શ્યના સાધના સાથે સંકળાયેલા રાજકોટની જાણીતી ભાભા હોટેલના માલિક રાજુભાઇ મહેતાએ વિપશ્યનાનો મૂળભૂત ખ્યાલ સ્પષ્ટ કરતાં કહ્યું કે વિપશ્યના ખૂબ જ પુરાણી સાધના પઘ્ધતિ છે. ઋગ્વેદમાં વિપશ્યનાની પ્રશંસા કરવામાં આવે છે. વર્ષો પહેલા એ વિસરાઇ ગઇ હતી પણ ભગવાન બુઘ્ધે પુન: ચલણમાં મુકી ર000 વર્ષ પૂર્વે ભારતમાં ઘરે ઘરે વિપશ્યના ઘણાં દેશમાં 84000, જુનાગઢ આસપાસ 500 તો વલ્લભી તળાવ આસપાસ 100 થી વધુ વિપશ્યના કેન્દ્રો હતા. આજે તળાજા પાસે જે ગુફાઓ છે તે કેન્દ્રો હતાં.
તેમણે વધુમાં કહ્યું કે સને 1969માં ભારતમાં આ સાધના પઘ્ધતિ ફરીથી પ્રચલિત કરવાનો શ્રેય બમામાં જન્મેલા ઉદ્યોગપતિ સત્યનારાયણ ગોએન્કાને જાય છે. આજે વિશ્ર્વના 100 થી વધુ દેશોમાં રરપ થી વધુ કેન્દ્રોમાં વિપશ્યના સાધના થાય છે. રાજુભાઇ મહેતાએ જણાવ્યું કે, વિપશ્યના એટલે દુ:ખમાંથી મુકત થવું, પોતે સુખી અન્યે સૌને સુખી કરવા, આજે ભૌતિકયુગમાં આપણી પાસે વધુ જ છે પણ મનની શાંતિ કયાં ? વિપશ્યનાથી મનની શાંતિ વધે છે ને ભૌતિકતા સાથે આઘ્યાત્મિકતાનું બેલેન્સ થાય છે.
તેઓ જણાવે છે કે અમારી દસ દિવસની શિબિરમાં આવનારને પ્રથમ સાડા ત્રણ દિવસ પોતાના શ્ર્વાસનું નિરીક્ષણ કરાવીએ, પછીના સાડા છ દિવસ મનને દરેક અંગમાં લગાડાવી અનુભૂતિ કરાવીએ ને છેલ્લે મૈત્રીનો અભ્યાસ કરાવાય છે. અમે કોઇ પૂજા ધુન, ભજન, કોઇને વંદન કરાવતાં નથી. વિપશ્યના સાધના શિબિરમાં જોડાવાથી શું લાભ મળે ? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, મનના વિકારોે જેવા કે ક્રોધ, ઇર્ષ્યા, ભય, ચિંતા, અહં વગેરે પર કાબૂ આવેછે. તમને જયારે ક્રોધ આવે ત્યારે શ્ર્વાસની ગતિ વધે છે ને શરીરમાં
વધારાનું રસાયણ ઉત્પન્ન થવાથી ગરમી વધે છે. આ સાધનાથી શ્ર્વાસ અને આંતરિક રસાયણોનું સમતોલન રહે છે. રાજુભાઇએ જણાવ્યું કે, આ સાધના માટે હિન્દુ, જૈન, બૌઘ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી, એમ બધા જ ધર્મના લોકો આવે છે કેમ કે પોતપોતાના ધર્મગ્રંથોમાં જે થીયરી આપી છે તે વિપશ્યનામાં પ્રેકિટકલી અનુભવ મળે છે.
વિપશ્યના સાધના શિબિર કરવાથી રોગો મટી જાય એ સાચું ? એવા સવાલનો જવાબ દેતા તેઓ જણાવે છે કે સાધનાની અસર મન પર થાય છે આ સાધનાથી જન્મ-મરણના ફેરા મટી જાય, ભવરોગ દૂર થઇ જાય છે તો શરીરના રોગો તો કયાંથી ઉભા રહે? જો કે રોગ દૂર કરવા માટે શિબિર કરવા આવનારને અમે પ્રવેશ આપતા નથી. કેમ કે અમે તો મનની તંદુરસ્તી માટે વિપશ્યના કરાવીએ છીએ રોગ તો બાય પ્રોડકટ છે!
ધમ્મકોટના નવનિર્મિત કેન્દ્ર વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, 1997 થી ખોખડદડ પાસે ધમ્મકોટ ચાલતું હતું પણ ત્યાં ઉઘોગ વધી જતાં અમે નવી જગ્યાની શોધમાં હતા તે અહીં રાજકોટ- જામનગર હાઇવે પર રંગપર પાસે આધુનિક છતાં પરંપરાગત કેન્દ્ર શરૂ કર્યુ છે. તેમની પાસે સૌરાષ્ટ્રના તમામ કેન્દ્રો ઉપરાંત નોર્થઇસ્ટના અરૂણાચલ, મિઝોરમ, બંગાળ, આસામ ઉપરાંત બાંગ્લાદેશનાં કેન્દ્રોની પણ જવાબદારી છે ત્યાં પણ લોકો શ્રઘ્ધાથી વિપશ્યના કરે છે.
જે લોકો વિપશ્યના શિબિર કરવા માગતા હોય તેમણે ભાભા હોટેલ ખાતેની ઓફિસે સંપર્ક કરવો. વળી ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ થઇ શકે છે. શિબિર માટે કોઇ ફી નથી, રહેવા-જમવાની નિ:શુલ્ક સુવિધા આપવામાં આવે છે એવું તેમણે કહ્યું અંતે રાજુભાઇ મહેતાએ કહ્યું કે વિપશ્યના મનની કસરત છે, તે માનવથી માનવને જોડે છે.
80 ટકા રોગો મનને કારણે થાય છે ત્યારે વિપશ્યના મનને મજબૂત કરે છે: ડો. કથીરિયા
વિપશ્યનાના વર્ષો જાુના સાધક પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયાએ કહ્યું કે મેં તો પ્રથમ શિબિર 1987માં પાલીતાણામાં કરી હતી. વિપશ્યના આપણને પંચશીલ શીખવે છે, કોઇપણ સ્થિતિમાં સમતા રાખવા માટે સમર્થ બનીએ છીએ. તેમણે કહ્યું કે હવે મેડિકલ સાયન્સ પણ સ્વીકારે છે કે 80 ટકા રોગો મનની સ્થિતિને કારણે પેદા થાય છે તો વિપશ્યના મનને મજબૂત તથા શાંત કરવાનો અકસીર ઇલાજ છે. ડો. કથીરિયાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ઘણી સાધના પઘ્ધતિઓ છે પણ વિપશ્યના શ્રેષ્ઠ છે તે બાળકથી લઇ વયોવૃઘ્ધ બધા માટે છે. દરેક વ્યકિતએ શિબિર કરીને પછી દરરોજ ઘરે વિપશ્યના સાધના કરવી જ જોઇએ.
રાજકારણીઓ વિપશ્યના કરે તો દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થઇ જાય: ડો. કનુભાઇ કલસારિયા
મહુવાના પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઇ કલસરિયાએ જણાવ્યું કે હું મોરારિબાપુની કથા, બ્રહ્મકુમારીની શિબિરો, પાંડુરંગ દાદાના સ્વાઘ્યાય, ગાયત્રી પરિવાર એમ બધે જ સંકળાયેલો છું પણ મેં સને 2003માં રાજકોટ ધમ્મકોટના પ્રથમ શિબિર કરી પછી મને વિપશ્યનામાં ખૂબ જ રસ પડયો. તેમણે કહ્યું કે ગીતામાં જે થીયરી બતાવી છે તે વિપશ્યના પ્રેકિટકલી કરાવે છે. શ્ર્વાસ પર ઘ્યાન કેન્દ્રીત કરીને તમે પરમતત્વને પામી શકો છો. ડો. કલસારિયાએ કહ્યું કે, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલે વિપશ્યનાની શિબિર કરી છે. દરેક રાજકારણીએ કરવી જોઇએ. રાજકારણીઓ બીજાને સલાહ આપે છે ત્યારે પોતે પણ શિબિરોમાં જોડાવું જોઇએ, જો રાજકારણીઓ શિબિરો કરશે તો દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થઇ જશે.
71 વર્ષીય અભણ ખેડૂત વિપશ્યના વિશે કહે છે કે…..
વિપશ્યના સાધનાના પૂર્વ શિબિરાર્થી અને હવે શિબિરો વખતે ભોજનાલયમાં સેવા આપવા માટે ખાસ વંથલી તાલુકાના કોયલી ગામથી આવેલા 71 વર્ષીય અભણ ખેડૂત પોલાભાઇ ઓડેદરાએ કહ્યું કે મેં અગાઉ બે શિબિરો કરી હવે હું ઘરનાં બધાં કામ છોડીને શિબિરાર્થીઓને ભોજન-પાણી બરાબર મળી રહે એ માટે રસોડામાં સેવા આપવા આવું છું.
તેમણે જણાવ્યું કે માનવ માનવ વચ્ચે મૈત્રી-પ્રેમ જળવાઇ રહેવો જરૂરી છે. દરેક જીવ પ્રત્યે કરૂણા રાખવી જોઇએ એ ભાવ વિપશ્યના સાધના કરવાથી આવે છે.
ધમ્મકોટ એટલે જંગલમાં મંગલ: રમેશભાઇ ઠકકર
ધમ્મકોટના અગ્રણી, જાણીતા સેવાભાવી અગ્રણી રમેશભાઇ ઠકકરે ધમ્મકોટ વિશે સવિશેષ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજકોટથી જામનગર હાઇવે પર આવો એટલે ચૌકીઢાણી પછી તરત જ ડાબી બાજુ હનુમાન ધારાના રસ્તે, કેનાલને કાંઠે કાંઠે ચાલ્યા આવો એટલે રંગપર નજીક નવ નિર્મિત ધમ્મકોટ સુધી તમે પહોંચી જશે! ર1 એકરમાં પથરાયેલા ધમ્મકોટમાં રપ0 સાધકો માટે શાંત ધમ્મહોલ છે.
ઉપરાંત 1ર0 આર્ટિફિશિયલ ગુફાઓ છે જયાં વ્યકિતગત રીતે સાધના થઇ શકે છે. ઉપરાંત સાધકો માટે એટેરડ બાથવાળી રૂમો, આધુનિક ડાઇવીંગ હોલ છે. 13પ00 વૃક્ષોનું જંગલ તૈયાર થઇ રહ્યું છે, પણ વધુ વૃક્ષો વવાશે વળી વરસાદી પાણી માટે તળાવ, કૂવો પણ બનાવાયા છે. ટૂંકમાં ધમ્મકોટ એટલે જંગલમાં મંગલ ! એવું રમેશભાઇ ઠકકરે જણાવ્યું
શું લાભ થયો આ શિબિરાર્થીઓને?
ધમ્મકોટ ખાતે 18 વર્ષની ઉંમરથી લઇ 73 વર્ષીય વૃઘ્ધ સાથે મુલાકાત કરી જેમાં એલ.ડી. વાઘમારે, ભાણજીભાઇ મકવાણા, જીલ ગોંઢા, મહેશ પટેલ, અતુલ પાબારી, માધવજીભાઇ ચાવડા, આશિષ ચૌહાણ, પરેશ કયુરિયા, ચુનીભાઇ બુટાણી, સાગર સંઘાણી, નરેન્દ્રકુમાર, રૂદ્ર ભૂત, હર્ષિત તળાવિયા અને સરજુ પરમારનો સમાવેશ થાય છે. આ બધા શિબિરાર્થીઓનો એક જ સુર હતો કે શિબિર પૂર્ણ થતાં મનની શાંતિ વધી, વિકારો દૂર થયા, નકારાત્મકતા ઘટી, હતાશા દૂર થઇ અમે હજુ શિબિરો કરતા રહીશું!
120 આર્ટિફિશિયલ ગુફાઓમાં તાપમાન 7-8 ડીગ્રી નીચું રહે છે: આર.એન. માવદિયા
ધમ્મકોટમાં તૈયાર કરાયેલી 1ર0 આર્ટિફિશિયલ ગુફાઓ એટલે કે ‘શૂન્યાગાર’ અંગે માહીતી આપતાં રાજકોટ મનપાના ટી.પી. શાખાના પૂર્વ ઇજનેર આર.એન. માવદિયાએ કહ્યું કે, હોલમાં સમુહઘ્યાન થાય પણ કોઇને એકાકી ઘ્યાન કરવું હોય તેમણે આ શૂન્યાગૃહમાં આવીને બેસવું. અહીં 1ર0 ગુફાઓ છે જે જાુના જમાનાના સાધુ સંતોના ગુફામાં ઘ્યાન કરવાની યાદી અપાવે છે. આખી ઇમારત ચૂનાના પથ્થર-બેલાંથી બાંધી, તેના પર ચૂનાનું પ્લાસ્ટર કર્યુ છે વળી છત ઉંચી લીધી એટલે ગરમી ન થાય, ઓકિસજન પુરતો મળે, બહારના યેગોડા સેન્ડસ્પેનથી બનાવ્યા એટલે આ આખી ઇમારતનું આયુષ્ય ર00-300 થીવધુ વર્ષોનું છે. તેમણે ઉમેર્યુ કે બહાર કરતાં અંદર 7 થી 8 ડીગ્રી તાપમાન નીચું રહે છે !