ધાય………… ધાય…………. ધાય………
સુરેન્દ્રનગર જિલ્લામાં ગન લાયસન્સ માટે બે ભાગમાં રકમ લેવાતી, જેમાં એક ભાગ રોકડમાં અને બીજો ભાગ જિલ્લા વિકાસ ફંડમાં:
બંદૂકના લાયસન્સ આપવામાં ગેરરીતિના આક્ષેપ સાથે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર કે.રાજેશ ઉપર કાયદાનો સકંજો તોળાઈ રહ્યો છે. જો કે તેઓ ઉપર એવા આક્ષેપ છે કે તેઓ બંદૂકના લાયસન્સ માટે જે લાંચની રકમ લેતા તેમાં રોકડ અને જિલ્લા વિકાસ ફંડમાં ચેક મારફતે લેવાતી હતી. હવે રોકડ રકમનો તો કોઈ ચોક્કસ પુરાવો સામે આવ્યો નથી. પણ જે સરકારી ખાતામાં રકમ લેવાતી હતી તે કે.રાજેશને ક્લીન ચિટ અપાવી શકે તેમ છે તેવું ચિત્ર ઉપસ્યું છે.
2011-કેડરના આઈએએસ અધિકારી કે રાજેશ કે જેઓ બંદૂકના લાઇસન્સ ઇશ્યુ કરવા સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની કસ્ટડીમાં છે. કે.રાજેશ એપ્રિલ 2018 થી મે 2021 વચ્ચે સુરેન્દ્રનગરના કલેક્ટર હતા. સીબીઆઈના સૂત્રએ જણાવ્યું, રાજેશની બુધવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. અને ગુરુવારથી રિમાન્ડ પર છે. ખાનગી વ્યક્તિઓને બંદૂકનું લાઇસન્સ આપતાં પહેલાં તેમણે જે પ્રક્રિયાઓ અપનાવી હતી તેના પર અમે તેની પૂછપરછ કરી રહ્યા છીએ.”
રોકડ રકમના પુરાવા નથી, ફંડમાં લેવાયેલી રકમ કે.રાજેશના બચાવ માટેનો પ્લસ પોઇન્ટ બની શકશે?
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ રાજેશે એપ્રિલ 2018 થી મે 2021 વચ્ચે સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ અધિક્ષકની નકારાત્મક ભલામણો છતાં ગેરકાયદેસર રીતે 101 હથિયાર લાઇસન્સ જારી કર્યાના આક્ષેપ કર્યા છે. 18 મેના રોજ દાખલ કરાયેલી સીબીઆઈની એફઆઈઆરમાં એવો પણ ઉલ્લેખ છે કે સુરેન્દ્રનગરના રહેવાસી, માથુર સાકરિયાએ હથિયારના લાયસન્સ માટે રાજેશને 4 લાખ રૂપિયાની લાંચ આપી હતી. 19 મેના રોજ સીબીઆઈએ સુરતમાંથી રફીક મેમણ નામના વચેટિયાની ધરપકડ કરી હતી, જેણે કથિત રીતે વિવિધ ગેરકાયદેસર વ્યવહારોમાં રાજેશને મદદ કરી હતી. એજન્સીના અધિકારીઓએ જણાવ્યું કે રાજેશ હથિયાર લાયસન્સ માંગતા અરજદારોને મેમણના ખાતામાં લાંચની રકમ જમા કરાવવાની સૂચના આપતો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજેશે પોતાના કાર્યકાળ દરમિયાન 271 હથિયાર લાઇસન્સ જારી કર્યા હતા. જેમાંથી 38 સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર હેઠળ કામ કરતા સરકારી કર્મચારીઓને આપવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ રાજકારણીના પુત્રને પણ લાઇસન્સ આપવામાં આવ્યું હતું.
બંદૂકના પરવાના આપતી વખતે ચોક્કસ રકમ ચેકના માધ્યમથી લેવાતી હતી. ચેકથી લેવાયેલી રકમનો જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના વિકાસ માટે ફંડ તરીકે વપરાશ કરાતો હતો. આમ, પ્રત્યેક અરજદારને બંદૂકનો પરવાનો લેવા માટે રોકડ તથા ચેક એમ બે તબક્કે રકમ ચૂકવવી પડતી હતી. પણ રોકડ રકમના કોઈ પુરાવાઓ ન હોય, બીજી રકમ તો સરકારના રેકોર્ડ ઉપર લેવાતી હતી. એટલે હવે તેઓ સરકારી ખાતામાં જે રકમ લેતા તે તેઓને ક્લીનચીટ અપાવે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.
મે મારા ઉપરીના કહેવા અનુસાર જ કામ કર્યું છે: કે.રાજેશનો ધડાકો
કે.રાજેશે તપાસકર્તાઓને કહ્યું છે કે, મેં મારા ઉપરીઓના કહેવા અનુસાર કામ કર્યું છે. રાજેશે આ પૂછપરછમાં સતત એક જ વાત જણાવી છે કે તેણે ધારાધોરણો અને નિયમો અનુસાર જ કામ કર્યું હતું અને જિલ્લા કલેક્ટરના ખાતામાં રુપિયા જમા કરાવતી વખતે પોતાના ઉપરી અધિકારીઓના “સૂચનો અને માર્ગદર્શન” લેવાતા હતા. તેમ સૂત્રએ જણાવ્યું હતું. સીબીઆઈ અધિકારીએ કહ્યું કે જ્યારે રાજેશને પૂછ્યું કે તેના આ ઉપરી કોણ છે તો આ સવાલનો જવાબ આપવાનો ઈનકાર કરીને તે પ્રશ્નને ટાળ્યો હતો.
ઉપરીઓના કહેવાથી થતું, મતલબ કલેક્ટર માત્ર સર્વન્ટ તરીકે જ કામ કરતા?
તત્કાલીન કલેક્ટર કે.રાજેશે તપાસમાં જણાવ્યું છે કે તેઓ ઉપરીઓ જેમ કહેતા તેમ જ કર્યું છે. તેઓ કાયદા મુજબ જ કામ કરતા પણ ઉપરીઓના આદેશ પ્રમાણે જ તેઓએ બધા કામ કર્યા છે. જો કે. રાજેશની વાતમાં તથ્ય હોય તો એનો મતલબ એ થયો કે ઉપરી જે છે તે જ આખી ગેમ રમતા હતા. કલેક્ટર સર્વન્ટ તરીકે તેઓના આદેશનું પાલન કરતા હતા.
કે.રાજેશના ખભ્ભે છોડેલી ગોળી કોને વિંધશે?
કે.રાજેશ પ્રકરણમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો એ થયો છે કે કે.રાજેશ પાસેથી આડકતરી રીતે તેવું નિવેદન લેવામાં આવ્યું છે કે તેઓનો દોરી સંચાર થતો હતો. ઉપરીના કહેવાથી તેઓ બધું કરતા હતા. આમ કે.રાજેશના ખભ્ભેથી તપાસ એજન્સીએ ઉપરી ઉપર ગોળી છોડી દીધી છે. પણ બીજી બાજુ ઉપરી કોણ છે તે કે. રાજેશ કહેવા માટે તૈયાર નથી. હવે પ્રશ્ર્ન એ સર્જાઈ રહ્યો છે કે કે. રાજેશના ખભેથી છોડવામાં આવેલી ગોળી કોને વિંધી નાખશે.?
જમીન કૌભાંડમાં કે.રાજેશની સંડોવણી સાબિત થઈ શકી નથી!!
કે.રાજેશનું બંદૂકના લાયસન્સનું પ્રકરણ જેવું પ્રકાશમાં આવ્યું, ત્યાં તેઓ ઉપર ચો મેરથી જમીન કૌભાંડના પણ આક્ષેપો છૂટવા લાગ્યા હતા. કરોડો અને અબજોની કિંમતની જમીનનો ગોલમાલ કરી હોવાના અનેક આરોપ તેમના પર લગાવવામાં આવ્યા છે. તથ્ય શુ છે તે હજુ જાહેર થયું નથી. પણ બીજી બાજુ આ જમીન કૌભાંડમાં કે.રાજેશની સંડોવણી હોય તેવા કોઈ પુરાવા પણ તપાસ એજન્સીને મળ્યા નથી.