વૈશ્વિક મહામારી કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે અમુક પાયાનાં નિયમોનું પાલન કરવું ખુબ જ આવશ્યક છે જેમાં સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તેવો નિયમ સોશિયલ ડિસ્ટન્સીંગનો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશવાસીઓને દો ગજ કી દુરી રાખવાની અપીલ કરી રહ્યા છે. રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ગુજરાતનાં ભાજપનાં કાર્યકરોને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરાવવા માટે સંકલ્પ લેવડાવી રહ્યા છે પરંતુ રાજકોટમાં જાણે ભાજપનાં કાર્યકરોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની વાતને ન માનવાનો સંકલ્પ લીધો હોય તેવું લાગી રહ્યું છે.
મહાપાલિકામાં શાસક પક્ષ એવા ભાજપ કાર્યાલયમાં આજે સોશિયલ ડિસ્ટન્સીંગનાં નિયમનાં રીતસર લીરેલીરા ઉડયા હતા. કાર્યાલય મંત્રી જયંત ઠાકર ખુદ માસ્ક પહેર્યા વિના બેઠા હતા તો બીજી તરફ પોતાના વોર્ડનાં અલગ-અલગ કામો માટે મેયરને મળવા આવેલા વોર્ડનાં કાર્યકરો આજે ભાજપ કાર્યાલયમાં એક જ સોફામાં ત્રણ-ત્રણ વ્યકિતઓ બેઠેલા જોવા મળ્યા હતા જેમાં અનેક કાર્યકરોનાં માસ્ક ગળે લટકતા પણ જોવા મળતા હતા.
જો માસ્ક ન પહેર્યું હોય તો મહાપાલિકાનું તંત્ર દુકાનમાં ઘુસીને દંડનાં ધોકા પછાડે છે તો બીજી તરફ શાસકો પાસે અધિકારીઓ મીયાની મીંદડી બની જતા હોય તેવું લાગી રહ્યું છે. આખા ગામને ભાજપનાં નેતાઓ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની સુફીયાણી સલાહ આપી રહ્યા છે પરંતુ ખુદ મહાપાલિકામાં જ ભાજપ કાર્યાલયમાં કોરોનાને નાથવા માટેના પ્રાથમિક એવા સામાન્ય નિયમોનું પણ પાલન કરવામાં આવતું નથી.