દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે બે દિવસ પહેલાં એક સાથે બે ધજા ચડાવવામાં આવી હતી. એવી લોક માન્યતા છે કે દ્વારકાધીશ ને એક સાથે બે ધજા ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે ત્યારે આજ રોજ યાત્રાધામ દ્વારકામાં ભારે પવનના કારણે જગત મંદિરની ધજા ખંડિત થઈ હતી.
દ્વારકામાં આજે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી દ્વારકા જગત મંદિરના શિખર પર ફરકાવવામાં આવેલી ધજા પણ ખંડિત થઈ હતી. આજે સવારે બે ધજા પૈકી એક ધજા બિલકુલ ખંડિત થઈ હતી. ત્યારે ભક્તોની માંગણી છે કે ધજાને બદલવામાં આવે, કારણ કે દ્વારકા જગત મંદિરની ધજા ફક્ત ધજાનું કાપડ જ નહીં પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું પ્રતીક છે.
દ્વારકામાં દુરદર્શનનો 90 મીટર ઉંચો જર્જરિત ટાવર તોડી પડાયો
સૌરાષ્ટ્રમાં બિપરજોય ચક્રવાતની અસર દેખાવા લાગી છે ત્યારે દ્વારકા સ્થિત દૂરદર્શનનાં હાઇપાવર ટ્રાન્સમીટરનો ટાવર ક્ષતિગ્રસ્ત થયો હતો. નેવું મીટર ઉંચો આ ટાવર વાવાઝોડાંને કારણે ધરાશાયી થાય તો ભારે તારાજી સર્જાવાની શક્યતા હતી. જીલ્લા વહીવટી તંત્રે મામલતદાર મારફત આ ક્ષતિગ્રસ્ત ટાવરને તાત્કાલિક ઉતારી લેવા વિનંતી કરી હતી.
દ્વારકાના દરિયા કિનારે પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે ટાવરને તોડી પાડવાની કાર્યવાહી સુપેરે પૂર્ણ કરી દેવામાં આવી છે. આમ, બીપોરજોય ચક્રવાતની અસરથી નેવું મીટરના વિશાળકાય ટાવરને ધરાશાયી થવા દેવાને બદલે સમયસર તોડી પાડીને પ્રસાર ભારતીએ દુર્ઘટના નિવારી છે.