ધજા દ્વારકાધીશને માત્ર પ્રસાદ રૂપે અર્પણ કરાશે: દર્શનાર્થીઓ માટે મંદિરમાં દર્શન બંધ કરવામાં આવે તેવી પણ શકયતા
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપોરજોયને લઈને મોટી અપડેટ સામે આવી છે. આ વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી 300 કિલોમીટર દૂર અને જખૌ બંદરથી 360 કિલોમીટર દૂર છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારા પર બિપોરજોય વાવાઝોડાની અસરો દેખાવાની શરુ થઈ ગઈ છે. 14મી તારીખની સવારથી સૌરાષ્ટ્ર અને કચ્છ પર વાવાઝોડાની ભયંકર અસર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગુજરાતના દરિયામાં પ્રવાસીઓ પ્રતિબંધ મુકાયો છે.
દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જેના કારણે દ્વારકાધીશ મંદિરે દિવસમાં 5 વખત ચડાવવામાં આવતી ધજાને લઈને મંદિરના વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિપોરજોય વાવાઝોડાના મંડરાતા ખતરા વચ્ચે આજે ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર ધજા ચડાવવામાં આવશે નહીં. આ ધજા દ્વારકાધીશને માત્ર પ્રસાદ રૂપે અર્પણ કરાશે. દર્શનાર્થીઓ માટે મંદિરમાં દર્શન બંધ કરવામાં આવે તેવી પણ શકયતા છે.
દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દ્વારકાના દરિયાકાંઠે, ગોમતીઘાટ અને શિવરાજપુર બીચ પર કલમ 144 લાગુ કરાઈ છે. આ મામલે દેવભૂમિ દ્વારકાના અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું 16 તારીખ સુધી લાગુ રહેશે. દ્વારકા પોલીસ તંત્ર દ્વારા હોટેલ સંચાલકોને પ્રવાસીઓનું બુકીંગ ન લેવા આદેશ કરાયો છે.
ગઈકાલે ચડાવવામાં આવી હતી એક સાથે બે ધજા
દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે ગઈકાલે બે ધજા એક સાથે ચડાવામાં આવી હતી. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઇ નહોતી. જેથી બપોરે એક સાથે બે ધજા ફરકાવામાં આવી છે. બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી ગઈકાલે મંદિરે એકસાથે બે ધજા ચડાવવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, તૌકતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી હતી. બે ધજા સાથે ચડવાથી દ્વારકા પરનું સંકટ ટળી જતું હોવાની લોક માન્યતા છે.