જે વિસ્તારમાં દારૂ અથવા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા તે સંબંધે કોઇ એક્શન ન લેવાય અને રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તેવી જગ્યાએ રેઇડ કરીને આવી પ્રવૃત્તિ પકડી પાડવામાં આવે તો તે બાબત અંગે રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા દ્વારા કડક પગલાં લેવામાં આવે છે.
હાલમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા થયેલ આવી જ બે રેઈડના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનના પી.આઇ. તથા સુરત ગ્રામ્ય જીલ્લાના સાયણ પોલીસ સ્ટેશનના પો.સ.ઇને આજરોજ ડી.જી.પી.શ્રી દ્વારા તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. હાલમાં ડી.જી.પી. હસ્તકની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દારૂ અને જુગારની રેઈડ કરવમાં આવેલી અને તે સંદર્ભે ગુનાઓ પણ દાખલ કરવામાં આવેલ હતા.
ગત તા. ૧૨/૨/૨૦૧૯ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનની હદમાં એક જુગારની રેઇડ કરવામાં આવેલી અને તેમાં કુલ ૯.૧૫ લાખથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો તથા ૧૫ આરોપી પકડી પાડવામાં આવેલ હતા. તેવી જ રીતે તા. ૧૩/૨/૨૦૧૯ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરત ગ્રામ્ય જીલ્લાના સાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહીબિશનની રેઇડ કરવામાં આવેલી અને તેમાં ૨ આરોપી સહિત કુલ ૩૯.૧૩ લાખ રૂ.ના દારૂના મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ.
આ બંને રેઈડના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી એલ.એલ.ભટ્ટ તથા સુરત ગ્રામ્ય જીલ્લાના સાયણ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ શ્રી આર.એમ. સંગાડા ને આજ રોજ ડી.જી.પી દ્વારા આવી પ્રવૃત્તિ અંગે બાતમી મેળવવામાં અને પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ રહેવા બદલ તાત્કાલીક અસરથી ફરજ મોકુફ કરવામાં આવેલ છે.