- વર્ષ-૨૦૩૬ની ઓલમ્પિકમાં એથ્લેટિક સ્પર્ધાઓ પોલીસ અકાદમી કરાઈની ભૂમિ પર થાય તેવી તૈયારીઓ થઈ રહી છે: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય
- ગુજરાતની વિવિધ પોલીસ રેન્જની 16 ટીમોના 122 ખેલાડીઓ DGP કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લીધો
ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે તા.૨૧મી માર્ચે “DGP. કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-2024”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે તા.૨૪મી માર્ચે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ યોજાયો હતો. ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ જીતનાર વિજેતા ખેલાડીઓને રાજ્યના પોલીસ વડાના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
વિકાસ સહાયે કહ્યું હતું કે, દિવસ-રાત વિવિધ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત પોલીસે તેમને રમત-ગમત સાથે જોડવાનું શુભ કાર્ય કર્યું છે. દર વર્ષે વિવિધ રમતોમાં ગુજરાત પોલીસ દ્વારા DGP કપ પ્રતિયોગિતાનું આયોજન થતું હોય છે. પ્રોફેશનલ પોલિસીંગની કામગીરી વધુ અસરકારક અને પરિણામલક્ષી બને તે માટે રાજ્ય પોલીસના અલગ અલગ એકમો તેમજ અધિકારી કર્મચારીઓ વચ્ચે એકતા – સંકલનની ભાવના આવશ્ય અને અનિવાર્ય છે. તેના માટે રમત ગમત ખૂબ પ્રભાવી માધ્યમ છે.
તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં રમતગમત ક્ષેત્રે ગુજરાત રાજ્ય પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત ગમત સ્પર્ધાઓનું આયોજન આજે ગુજરાતમાં થઈ રહ્યું છે. તે માટે જરૂરી એવું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરમાં ઊભું થઈ રહ્યું છે. વર્ષ ૨૦૩૬ની ઓલમ્પિકની યજમાનીમાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ પણ ખૂબ મોટું યોગદાન આપશે. એથ્લેટિક સ્પર્ધાઓ કરાઈની ભૂમિ પર થાય તેવી તૈયારીઓ થઈ રહી છે અને તે માટે આ વર્ષના બજેટમાં વિશેષ અનુદાન પણ રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની વિવિધ પોલીસ રેન્જની 16 ટીમોના 122 ખેલાડીઓએ DGP કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં 79 પુરુષ અને 43 મહિલા ખેલાડીઓના સમાવેશ થાય છે. વિજેતા ખેલાડીઓને રાજ્યના પોલીસ વડાએ મેડલ એનાયત કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત પોલીસ અકાદમી-કરાઈના આચાર્ય અભય ચુડાસમા, પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.