પોલીસ અધિકારી અને કર્મચારી માટે લાગુ કરાયેલી આચાર સહિતનો પોલીસ કમિશનર, રેન્જ આઇજી, એસપી અને એસઆરપી સેનાપતિએ કડક કરીતે અમલ કરાવવા હુકમ
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રોફ જમાવવા અને પોપ્યુલર બનવા માટે પોલીસ વર્દીમાં રીલ્સ બનાવી સોશ્યલ મિડીયામાં વાયરલ કરવા પર પ્રતિબંધ ફરમાવતું રાજયના પોલીસ વડા દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરી કેટલાક પોલીસ સ્ટાફ દ્વારા વીડિયો વાયરલ થતો હોવાથી તા.3 જુનના જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે રાજયના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા અને એસઆરપીના વડાને આદેશ કર્યો છે.
પોલીસ યુનિફોર્મમાં રીલ્સ તૈયાર કરી સોશ્યલ મિડીયાના માધ્યમથી વાયરલ કરવામાં આવતી હોવાથી સામાન્ય પ્રજામાં પોલીસની પ્રત્યેની ખોટો મેસેજ જતો હોવાથી ગત તા.3 જુનના રોજ પોલીસ વર્દીમાં બીન જરુરી વીડિયો વાયરલ પર રોક લગાવવા પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અને આ બાબતે આચાર સહિતા લાગુ પાડવામાં આવી હતી.આમ છતાં કેટલાક પોલીસ સ્ટાફ દ્વારા રિલ્સ તૈયાર કરી સોશ્યલ મિડીયામાં વાયરલ થતી હોવાથી પોલીસ સ્ટાફ માટે લાગુ કરવામાં આવેલી સોશ્યલ મિડીયા અંગેની આચાર સહિતાનો કડક અમલ કરાવવા માટે પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પરિપત્ર જારી કરી રાજયના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા અને એસઆરપી સેનાપતિને તાકીદ કરી આવા પોલીસ સ્ટાફ સામે કાર્યવાહી કરી ડીજી કચેરીએ જાણ કરવા આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટાફ દ્વારા વર્દીમાં વીડિયો બનાવી વાયરલ કરવાનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા નિર્દેશ મળી રહ્યા છે.
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ પ્રકારનો વિડીયો વાયરલ કરી અવારનવાર વિવાદ સર્જતા હોવાથી આવા પોલિસ સ્ટાફને શિસ્તના પાઠ ભણાવવા રાજયના પોલીસ વડાએ પરિપત્ર જાહેર કર્યો છે.