આગામી ૫ જુને વિશ્વ પર્યાવરણ દિન નિમિતે રાજકોટ શહેરીજનોને “નો પ્લાસ્ટીક ઇઝ ફેન્ટાસ્ટિક”ની અપીલ કરતા ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ
આગામી તારીખ ૫ જુને વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ દ્વારા રાજકોટ શહેરના તમામ શહેરીજનોને વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અપીલ કરી છે. તેઓશ્રીએ જણાવ્યું છે કે, પ્લાસ્ટિક પોલ્યુશન અત્યારના પર્યાવરણનો સળગતો પ્રશ્ન છે. એક સંસોધન મુજબ આખી પૃથ્વીને ચાર વખત વીંટળાઈ જાય તેટલું પ્લાસ્ટિક આપણે ફેકીએ છીએ તેમજ દરિયામાં નખાતા પ્લાસ્ટીકને લીધે ૧ લાખથી વધુ દરિયાઈ જીવો વર્ષે મૃત્યુ પામે છે. આથી હવે સમય થઇ ગયો છે કે પ્લાસ્ટીકના ઉપયોગથી પ્રદુષણ ન થાય તે માટે અટકાવવું જરૂરી છે.
પ્લાસ્ટિક પર્યાવરણમાં ૫૦૦ વર્ષ સુધી રહી શકે છે. પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા માટે લોકોએ આગળ આવવું જરૂરી છે.લોકોમાં જાગૃતતા આવે અને પોતાની જાતે પ્લાસ્ટીકની બેગ વિગેરેનો બહિષ્કાર કરે તે જરૂરી છે. પ્લાસ્ટિકનો વારંવાર ઉપયોગ કરવાથી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે.
ડે.મેયર ડો.દર્શીતાબેન શાહે વધુમાં જણાવેલ છે કે, પર્યાવરણના મુદ્દે નાગરિકો સભાન થઇ રહ્યા છે પણ સક્રિયતા ઘણી ઓછી છે. પ્લાસ્ટીકની થેલીથી પર્યાવરણને ઘણું નુકશાન થાય છે પ્લાસ્ટિક સળગાવવામાં આવે ત્યારે ઝેરી વાયુ હવામાં ફેલાય છે. પ્લાસ્ટીકને કારણે આપણી ગટરો ચોકઅપ થાય છે. અને પાણીનો નિકાલ રોકાય છે.
પ્લાસ્ટિકથી નદીઓ અને દરિયાઓમા પણ પ્રદુષણ ફેલાય છે. પ્લાસ્ટીકનો વપરાશ જેમ વધે તેમ વેસ્ટ પણ વધે છે. પ્લાસ્ટીકને કારણે વાતાવરણમાં બહુ મોટુ નુકશાન થાય છે.
આ તકે ડે.મેયર ડૉ.દર્શીતાબેન શાહે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે તમામ શહેરીજનોને અને ખાસ કરીને તમામ બહેનોને અપીલ કરી છે. કે ચાલો આપણાથી જ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવાની પહેલ કરીએ અને આપણે ખરેખર પર્યાવરણ જાગૃતતામાં આપણો ફાળો આપીએ.