1 થી 19 વર્ષના 3,96,000થી વધુ બાળકોને કૃમિનાશક ગોળી અપાશે
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા તા.10 થી 17 ઓગસ્ટ સુધી સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અભિયાન યોજાનાર છે. જેમાં 1 વર્ષ થી 19 વર્ષના કુલ 3,96,49પ બાળકોને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસે કૃમિ નાશક ગોળી ખવડાવવામાં આવશે.
આ કામગીરી રાજકોટ જિલ્લાના કુલ 1ર સામુહિક આરોગ્ય કેન્દ્રો, 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ 9 જેટલા અર્બન હેલ્થ સેન્ટરો, 344 જેટલા સબ સેન્ટોરો અને તેમના નેજાના કુલ 605 જેટલા ગામોમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં આરોગ્ય લક્ષી પત્રિકાઓનું વિતરણ અને પોસ્ટરો, બેનરો ડીસ્લેના માધ્યમથી જાગૃત કરવામાં આવશે.
વધુમાં દરેક તાલુકાના અર્બન હેલ્થ સેન્ટોરોમાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, સબસેન્ટર કક્ષાએ જૂથ ચર્ચા, ગૃપ મીટીંગનું આયોજન, રોલ પ્લે, કાઉન્સેલીંગ સેશન, શોર્ટ ફિલ્મો બતાવવી, કેમ્પ વર્કશોપ જેવી વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવશે.આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બાળકોને કૃમિનાશક વિરોધી ગોળી ખવડાવવા માટે બુથ બનાવીને આરોગ્ય કર્મીઓની ટીમો તૈયાર કરવામાં આવી છે.
પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશાબહેન, આંગણવાડી કાર્યકર તથા સ્વંય સેવકો ફરજ બજાવશે. અંતરીયાળ વિસ્તારમાં કામગીરી કરવા માટે મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે. આરોગ્ય ટીમ ગામના દરેક ઘરની મુલાકાત લઇ મહત્તમ બાળકોને આવરી લેવાના પ્રયાસો કરવામાં આવશે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર લોહીની ઉણપ, કૂપોષણ, ભુખ ન લાગવી, બેચેની, પેટમાં દુ:ખાવો, ઉલ્ટી તથા ઝાડા, વજન ઓછું થવું જેવી અનેક હાનિકારક અસરો જોવા મળે છે. જેનાથી રક્ષણ આપવા વિવિધ વય જુથના આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, શાળામાં જતા કે શાળામાં ન જતા બાળકોને ઉંમર પ્રમાણે કૃમિનાશક ટેબલેટ આપવામાં આવશે. અત્યાર સુધીમાં 6પ ટકા બાળકોને કૃમિનાશક ગોળીથી કૃમિને કારણે થતા ચેપી રોગ સામે રક્ષણ આપવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા બાળકોને વિટામીન-અના રાઉન્ડની સાથે કૃમિનાશક ટેબલેટ વર્ષમાં બે વખત આપવામાં આવે છે.
બાળકોને ઘરે ઘરે જઇ કૃમિનાશક ગોળી ખવડાવાશે
કૃમિનાશકની ગોળી આપવા માટે તા. 10 થી 17 ઓગષ્ટ દરમિયાન જિલ્લાની તમામ આરોગ્ય કેન્દ્રોમાં આયોજન હાથ ધરવામાં આવેલ છે. તે દરમિયાન બાળકોને ઘરે ઘરે જઇ કૃમિનાશક ગોળી ખવડાવી તેઓનું સ્વાસ્થ્ય જાળવી રાખવા ગ્રામીણ વિસ્તારના લોકોને આવરી લેવાના હેતુથી આ કામગીરીને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ શાહના માર્ગદર્શન હેઠળ વેગ અપાયો છે.